કાર્યવાહી:મંગ્લેશ્વર-કબીરવડ ઘાટનો ગેરકાયદે વહિવટ ચલાવનાર સામે ગુનો નોંધાયો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના ઇજારદાર વિરૂદ્ધ હાલમાં કેસ ચાલી રહ્યો હોવાથી ઘાટ બંધ રખાયો હતો

ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકનો સૌથી વધુ પ્રવાસીઓની ચહલ-પહલ વાળા મંગ્લેશ્વર-કબીરવડ હોડીઘાટના અગાઉના ઇજારદારે નક્કી કરેલાં રૂપિયા નહીં ચુકવતાં જિલ્લા પંચાયતે તેમની સામે કોર્ટમાં કેસ કર્યો છે. ત્યારે જ્યાં સુધી નવી હરાજી ન થાય ત્યાં સુધી જિલ્લા પંચાયતે નોટિસ ઇશ્યુ કરી ઘાટને બંધ કરાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ હોડીઘાટ પૈકીનો કબીરવડ ઘાટ સૌથી મોટો અને કમાઉ ઘાટ મનાઇ રહ્યો છે. ત્યારે અંક્લેશ્વરના રાજયોગ પોલીટેક ફર્મ દ્વારા વર્ષ 2018માં 10 વર્ષના સમયગાળા માટે હોડીઘાટનો ઇજારો લીધો હતો.

જોકે, સમયાંતરે કોઇ કારણસર તેમણે જિલ્લા પંચાયતને નક્કી કરવામાં આવેલાં રૂપિયાની ચૂકવણી નહીં થતાં ફર્મ વિરૂદ્ધ જિલ્લા પંચાયતે કોર્ટમાં કેસ કર્યો છે. જેના પગલે જિલ્લા પંચાયતે હોડીઘાટનો હવાલો સ્વહસ્તક લઇ અન્ય કોઇએ હોડીઘાટ ચલાવવો નહીં તે અંગેની નોટિસ ઇશ્યુ કરી હતી. ઉપરાંત જોક કોઇ શખ્સ દ્વારા હોડીઘાટ ચલાવાશે અને કોઇ દુર્ઘટના થાય તો તેની જવાબદારી જિલ્લા પંચાયતની રહેશે નહીં તેમ જણાવાયું હતું.

દરમિયાનમાં કેટલાંક શખ્સો દ્વારા ગેરકાયદે રીતે હોડીઘાટ ચલાવવામાં આવી રહ્યો હોવાની બાબત જિલ્લા પંચાયતના ધ્યાને આવતાં પંચાયના માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર કે. એ. માહલા, મદદનીશ ઇજનેર, સીનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, મંગ્લેશ્વર ગામના સરપંચ સહિતનાઓએ સ્થળ પર પંચક્યાસ કરાવતાં ઝનોર ગામના દિનેશ રાયસિં માછી દ્વારા ગેરકાયદે રીતે ટિકીટ બારી ઉભી કરી હોડીઘાટ ચલાવવામાં આવી રહ્યો હોવાનુ માલુમ પડ્યું હતું. જેના રિપોર્ટના આધારે જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર રોનક યોગેશ શાહે દિનેશ માછી તેમજ તેના મળતિયાઓ વિરૂદ્ધ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...