ભરૂચમાં 5 વર્ષ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગમન કરે તેવા સંકેત વહીવટી તંત્રએ આપ્યાં છે. તંત્ર અને ગુજરાત સરકાર PMના આગમનને ભવ્ય રીતે વધાવવા સજ્જ થઈ રહ્યાં છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે તેઓ દેશને સમર્પિત કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. અગાઉ એપ્રિલ મહિનામાં એક્ષપ્રેસ વે શરૂ કરવાની વાત વહેતી થઈ હતી. PM બન્યા બાદ પણ વડાપ્રધાનનું ભરૂચ જિલ્લામાં આગમન હંમેશા પ્રજા માટે આતુરતા ભર્યું અને મોટી ભેટસોગાદથી ભરેલું રહ્યું છે.
દહેજની OPAL કંપની હોય, નર્મદા નદી પરનો 4 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ, ભાડભુત બેરેજ યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે PM ભરૂચ આવતા રહ્યાં છે. હવે પ્રધાનમંત્રી બન્યાના બીજા કાર્યકાળમાં પ્રવર્તમાન મે મહિનામાં તેઓ ભરૂચ પધારી રહ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે. વર્ષ 2017માં PM તરીકેના પ્રથમ કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ભરૂચ આવ્યા હતા. હવે તેઓની બીજી ટર્મમાં પ્રથમ વખત ભરૂચ આવી રહ્યા છે. ગુજરાત માટે 8 લેન એક્સપ્રેસ-વેની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરે તેવી શકયતાઓ છે. અમદાવાદ અને અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ-વે તૈયાર થઈ ગયો છે.
તેનું PM સંભવતઃ ભરૂચ આવી 15મે અથવા તેની આસપાસની તારીખમાં લોકાર્પણ કરે તેવી સંભાવનાઓ સાથે ગતિવિધિઓ ચાલી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સોમવારે દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ, GNFC ગ્રાઉન્ડ અને કૃષિ યુનિવર્સીટીના મેદાનની અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. જોકે કલેક્ટરે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તો R & B દ્વારા ચાલતી વાર્ષિક પ્રક્રિયાનો ભાગ હતો. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચની મુલાકાત PM લઈ શકે છે પણ હજી કંઈ નક્કી નહિં હોવાનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.