કામગીરી:ભરૂચમાં ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓના 300 કેસનું કાઉન્સેલિંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 મહિલાઓનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ માર્ગદર્શન હેઠળ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. આ સેન્ટરમાં જીલ્લાની પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય, હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સરળતાથી મળે છે.

અહીંયા બળાત્કાર, દહેજ કનડગત, મૃત્યુ, ગુમ, અપહરણ, જાતીય સતામણી, બાળલગ્ન, મહિલાઓની હેરફેર, સાયબર ક્રાઇમ, છેડતી, પીછો કરવો, સ્થાનિક ગુલામી, બદનામી, ધમકી, આરોપ મિલકત, બાળ કસ્ટડી દાવા, પતિ દ્વારા મારઝૂડ જેવા વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરવામાં આવે છે.

ભરૂચમાં ચાલતા આ સેન્ટરમાં અત્યાર સુધી 300 જેટલા વિવિધ કેસ મળ્યા હતા. આ તમામ કેસોમાં અહીંયાના સ્ટાફ દ્વારા તેમનું કાઉન્સિલીંગ કરીને 45ને કાયદાકીય સલાહ, 55ને તબીબી સહાય, 82 મહિલાઓને હંગામી ધોરણે આશ્રય અને 39 મહિલાઓને પોલીસ સહાય પૂરી પાડવામાં આવી છે.

આ તમામ કેસમાંથી અત્યારસુધી અંદાજે 70 જેટલી મહિલાઓનું અને તેમના પરિવારોનું કાઉન્સિલિંગ કરીને પરિવાર સાથે પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન, પીબીએસસી તથા અન્ય કચેરીઓ દ્વારા મહિલાઓના કેસ આવે છે. જો મહિલાઓને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો 02642-267602 નં.નો સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...