તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચમાંથી કોરોનાના અતિ રાહતભર્યા અહેવાલ, ગુરૂવારે માત્ર 1 જ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહો કોવિડ સ્મશાનમાં નોંધાયા હતા
  • અત્યાર સુધી 2154 કોરોના મૃતકોના અગ્નિદાહ કરાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર અને બીજી લહેર ઓછી થઈ હોવાનું લાગી રહ્યું છે. રાજ્યના પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો ગતરોજ માત્ર 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા છે. કોરોનાની બીજી લહેર ભરૂચ જિલ્લામાં પણ ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ હતી. કોરોનાના કહેર અને હાહાકાર વચ્ચે મૃત્યુઆંકે તમામ અણગમતા રેકોર્ડ બ્રેક કરતા માનસિક હાઉ પણ પરાકાષ્ઠાએ પહોચ્યો હતો.

કોરોનાના કેસમાં ઘટાડા સાથે મૃત્યુ પણ ઘટી રહ્યાં છે

ભરૂચનું પ્રાચીન સ્મશાન ગૃહ માનવ વસાહત નજીક આવેલુ હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે રાજ્યનું પ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના પ્રોટોકોલના આધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોનાની પ્રથમ લહેરથી શરૂ કરાયા હતા. કોવિડ સ્મશાનમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો હતો. પરંતુ હવે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ઘટાડા સાથે મૃત્યુ પણ ઘટી રહ્યાં છે. જે ઘણા રાહત આપનાર સમાચાર છે.

સ્મશાનના સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો

ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે એટલે કે તારીખ 3 મેના રોજ એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે કરવામાં આવ્યા હતા. જે કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળી એક દિવસમાં થયેલા અંતિમ સંસ્કારનો સૌથી મોટો આંકડો હતો. પરંતુ હવે કોરોનાનો કહેર ઘટ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2154 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર ઓછો થતા સ્મશાનના સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર તેના પિક પર હતી. ત્યારે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબવાહીનીઓની કતાર લાગતી હતી. પરંતુ હવે મૃત્યુઆંક પણ ઘટાડો થયો છે. ત્યારે સ્મશાનમાં કામ કરતા લોકો પણ હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...