તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ખૂદ હવે વેન્ટિલેટર પર:કોરોનાકાળ ભૂતકાળ બન્યો : ભરૂચ જિલ્લાના 9માંથી 7 તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નહીં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 12 સહિત જિલ્લામાં માત્ર 18 કેસ એક્ટિવ, તેમાં પણ 15 હોમ આઈસોલેટ, માત્ર 3 દર્દી હોસ્પિટલાઈઝ ઃ આ સપ્તાહમાં દિવસમાં નોંધાતા કેસની સંખ્યા 5 કરતાં પણ નીચે
  • છતાં સાવધાની જરૂરી કારણ કે, જૂનના 23 દિવસમાં 58 મૃતકોના કોવિડ ગાઈડલાઈન સાથે અંતિમ સંસ્કાર થયા છે

ભરૂચ જિલ્લામાં કોરોનાનો ભય હવે ઓછો થયો છે. છેલ્લા 8 દિવસમાં કોરોનાથી મોતનો આંકડો માત્ર 3 લોકોનો રહ્યો છે. જિલ્લાના 9 તાલુકામાંથી માત્ર 2 જ તાલુકામાં હાલ કોરોનાના એક્ટિવ કેસ છે. બાકીના 7 તાલુકામાં કોઈ કે ન નોંધાતા જાણે કોરોનામુક્ત બન્યા છે. માત્ર એટલું જ નહીં પણ મ્યુકર માઈકોસિસથી અત્યારસુધી જિલ્લામાં એકમાત્ર 58 વર્ષિય મહિલાનું મોત થયું છે. જૂન માસના 23 દિવસમાં કોવિડ સ્મશાનગૃહ ખાતે 58 મૃતકોના કોરોનાની ગાઈડલાઈન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેર લોકો માટે ઘાતક સમાન બની હતી. કેટલાંય ઘરનાં મોભી, કમાનાર વ્યક્તિ કોરોનાસામેનો જંગ હારી જતાં અનેક પરિવારો નિરાધાર બન્યા છે. કોરોનાના કહેરમાં એક સમયે જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી. ઓક્સિજન અને વેન્ટિલેટર તથા રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓના સ્વજનો આમ તેમ દોડતા હતા. તેની વચ્ચે મેડિકલ માફિયાઓ અને કાળા બજારીઓ પણ લોકોની મજબૂરીનો લાભ લઈ કમાણી કરી રહ્યા હતા. દિન પ્રતિદિન કોવિડ સ્મશાનમાં મૃતકોની લાઈનોએ દર્દનાક દિવસો ભરૂચ જિલ્લાના લોકોને બતાવ્યા હતા. કોવિડ સ્મશાનમાં કામ કરતા સ્વયંસેવકોને એક તબક્કે જમવાનો પણ સમય ખૂટતો હતો. ત્યારે હવે સ્મશાન પણ સુમસામ બની ગયું છે.

ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના કુલ 10684 કેસ નોંધાયા હતા. જે બાદ હવે રાહતના સમાચાર મળ્યા છે. 10551 લોકોએ તો કોરોનાને મ્હાત આપી છે. હવે ભરૂચ જિલ્લામાં માત્ર 18 જેટલા કેસો જ એક્ટીવ છે. તેમાં પણ 15 લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે માત્ર 3 લોકો જ હોસ્પિટલમાં છે. જિલ્લાના 9 તાલુકાઓ પૈકી 7 તાલુકા કોરોના મુક્ત બની ગયા છે. હાલમાં માત્ર ભરૂચ શહેરમાં 12 કેસ અને ગ્રામ્યમાં 4 તથા ઝઘડિયામાં 2 કેસ એક્ટિવ મોડ પર છે.

કોરોના મહામારીમાં તંત્રના ચોપડે અત્યાર સુધી માત્ર 117 દર્દીઓએ જીવ ગુમાવ્યાનું નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં ગત રોજ માત્ર 1 પોઝિટીવ કેસ નોંધાયો હતો. જે બાદ હવે કોરોના પોતે જ વેન્ટિલેટર પર આવી ગયો હોય તેમ કહીએ તો કંઈ ખોટું નથી.

ભાસ્કર અપીલ ઃ લોકોએ હજી કોરોના સામે સાવચેતી રાખવી જરૂરી
પ્રથમ અને બીજી લહેર બાદ તંત્ર સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરી તૈયારીઓમાં લાગી ગયું છે. અત્યારસુધીમાં પડેલી તકલીફોની નોંધ લઈ જો ત્રીજી લહેર પણ સક્રિય થાય તો તેની સામે પહોંચી વળવાના તમામ આયોજનો કરી દીધાં છે. આ મહામારીમાંથી હાલ ભરૂચ જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પંરતુ કોરોના હજી ગયો નથી. તેથી જ તમામ લોકોએ જાહર સ્થળોએ જતાં સમયે સાવચેતીના ભાગરૂપે ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતોનું પાલન કરવું જરૂરી છે.

વેક્સિનેશન ઃ જિલ્લામાં 40.32 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો
ભરૂચ જિલ્લામાં વેક્સિનના પ્રથમ ડોઢ માટે 12.29 લાખ લોકોના લક્ષ્યાંક સામે અત્યારસુધી 4.95 લાખ એટલે કે 40.32 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે વેક્સિનના બીજા ડોઝ માટે 1.38 લાખ લોકોના લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યારસુધીમાં 1.22 લાખ એટલે કે 88.73 ટકા લોકોએ બીજો ડોઝ લીધો હતો. વેક્સિનેશનને વેગ આપવા માટે શરૂ કરાયેલા મહા અભિયાનમાં બુધવારે 11 હજારના ટાર્ગેટ સામે 16285નું વેક્સિનેશન કરાયંુ હતુંં. 18થી 44 વર્ષની વયના 22 ટકા યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...