તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન અંગે જાગૃતિ:દયાદરા ખાતે વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન યોજાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હોરા સમાજના રસી લેનાર લોકોનો ડ્રો કરવામાં આવશે
  • રૂપિયા 11 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી

ભરૂચ તાલુકાના દયાદરા ગામે અકુજી હોલ ખાતે લઘુમતી સમાજના લોકોમાં કોરોના વેક્સિન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન અને જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. રસીકરણ જાગૃતિ અભિયાન સંદર્ભે કોરોનાની રસી આફત કે અવસર...? વિષય ઉપર ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કોરોનાની રસી બાબતે લોકોને મૂંઝવતા પ્રશ્નો અંગે નિષ્ણાંતો સાથે ચર્ચા સભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ગામેગામથી ધાર્મિક વડાઓ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર

કોરોના રસીકરણ જાગૃતિ અભિયાનમાં પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.ધુલેરા, દારૂલ કુર્આન જંબુસરના મોહતમિમ મુફ્તી અહમદ દેવલવી, વડોદરાના પ્રસિદ્ધ પિડીયાટ્રીશ્યન ડૉ. શાહીદ મિર્ઝા, જંબુસરના ફિઝીશ્યન ડૉ. સોયેબ મુકરદમવાલા, ફેડરેશનના ઇન્ડીયા ચેપ્ટરના પ્રમુખ આદમ આબાદનગરવાલા, યુનુસ અમદાવાદી, કૉ-ઓર્ડીનેટર નાસીર પટેલ, હનીફ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. રસીકરણ જાગૃતિ સેમિનારમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના ગામેગામથી ધાર્મિક વડાઓ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

સામાન્ય જનોએ કરેલી ભૂલોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ

આ પ્રસંગે વિદ્વાનોએ કોરોના મહામારીમાં પ્રથમ અને દ્વિતીય ચરણમાં લોકોએ વેઠવી પડેલી હાલાકી તેમજ સામાન્ય જનોએ કરેલી ભૂલોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું. સાથે આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે શું કરવું અને શું ન કરવું તેમજ તકેદારીના કેવા પગલા લેવા તે માટે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. આ ઉપરાંત કોરોના મહામારી નાથવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ અભિયાનનો મોટા પાયે લાભ લેવા માટે લઘુમતી સમાજના લોકોને ઘરદીઠ જાગૃત કરવા આહવાન કરાયું હતું.

ધાર્મિક વડાઓને પણ કોરોના રસીકરણ અંગે સામાન્ય લોકોમાં વ્યાપેલા ભ્રમ તેમજ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે હાકલ કરવામાં આવી હતી. તો સાથે જ દયાદરા હોલ ખાતે કોરોના રસિકરણ કેમ્પમાં વ્હોરા સમાજના 50 હજાર રસી લેનાર લોકોનો ડ્રો કરવામાં આવશે. જેમાંથી 11 લોકોને રૂપિયા 11 હજારનું પ્રોત્સાહક ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...