ઉત્તરાયણ:ભરૂચવાસીઓની હર્ષોલ્લાસ સાથે પતંગોત્સવની ઉજવણી, સવારે ઠંડીના જોર વચ્ચે ઉત્સાહ ઠંડો તો બપોર બાદ ઉત્સાહ બેવડાયો

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-અંકલેશ્વર ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા
  • લોકોએ બહારના ઉંધુયી જલેબી આરોગવા કરતા ઘરમાં જ તેને બનાવવાનું પસંદ કર્યું

ઉમંગ અને પતંગના તહેવાર ઉત્તરાયણની ભરૂચ જિલ્લામાં કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે ઠંડીના જોર વચ્ચે પતંગ રસિકોમાં ઉત્સાહ ઠંડો જોવા મળ્યો તો બપોર બાદ ઉત્સાહ બેવડાયો હતો.

ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટતાં પતંગરસિયામાં આ વર્ષે ધૂમધામથી ઉત્તરાયણ મનાવવાનો પ્લાન કરી રહ્યા હતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરે ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે, સાથે જ બે દિવસની કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા હતા . જોકે ઠંડી ઓછી થતાં ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી ધાબા ઉપરની ઉજવણી પણ ફિક્કી જોવા મળી હતી. આજે પવન દેવે પણ સાથ આપ્યો હતો. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેમને ધાન્ય અર્પણ કરે છે. ભરૂચ-અંકલેશ્વર ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સાથે જ લોકો એ દાન પુણ્ય પણ કર્યું હતું.

ઉત્તરાયણ પર્વ એટલે ઊંધિયું જલેબીની જ્યાફતનું પર્વ. લોકો આજે મન મૂકીને ઊંધિયું જલેબીની લિજ્જત માણે છે અને પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરે છે. જો કે આ વર્ષે ભરૂચના બજારમાં ઊંધિયાનો ભાવ રૂ. 260થી 300 પ્રતિ કિલો હતો. તો જલેબી 300 થી 400 રૂ. પ્રતિ કિલો હતી. જો કે આ વખતે કોરોનાના કારણે ઊંધિયા જલેબીના વેચાણમાં ખુબ મોટો ફટકો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે કોરોનાના કારણે લોકોએ બહારના ઊંધિયા જલેબી કરતા ઘરમાં જ તેને બનાવવાનું પસંદ કર્યું હતું અને તેના કારણે વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું હતું. કોરોનાના કારણે બજારમાં ઘરાકી પણ ઓછી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...