ફરિયાદ:ભરૂચની રિઝેન્ટા હોટલ સામે કાર પાર્ક કરવાના મુદ્દે ધિંગાણું

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ માલિક સહિત 8 લોકો સામે સી ડિવિઝનમાં ફરિયાદ

ભરૂચના ભોલાવ ગામે આવેલી વિહાર સોસાયટીમાં રહેતાં અમરજિતસિંહ વરાછિયા એબીસી ચોકડી પાસે રિઝેન્ટા હોટલની બાજુમાં પ્રેસ્ટિઝ ચેમ્બરમાં અમરવિજય એન્ડ કંપની નામની ઓફિસ ધરાવે છે. ગઇકાલે તેઓ તેમના કોમ્પલેક્ષ પાસે પાર્કિંગ ફુલ હોવાને કારણે પોતાની કાર રિઝન્ટા હોટલ સામેના પાર્કિંગમાં પાર્ક કરી હતી. દરમિયાનમાં રિઝેન્ટા હોટલના માલિક અમિત નટવરલાલ પ્રજાપતિએ તેમની કારના કાચની તોડફોડ કરતાં અમરજિતસિંહે ત્યાં પહોંચી ગાડીને કેમ નુકશાન કરો છો કહેતાં મારા પાર્કિંગમાં કેમ કાર પાર્ક કરી તેમ કહીં અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી હતી

અરસામાં હોટલ માલિક અમીતનું ઉપરાણું લઇ તેના હોટલમાંથી મેનેજર ભૌમિક, કૈયુર રોહિત પટેલ, તેમજ રાકેશ પ્રજાપતિએ દોડી આવી તેમણે પણ તેમને માર મારી જાનથી મારી નાંખવાની તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરી જેલમાં પુરાવી દેવાની ધમકીઓ આપી હતી. પ્રિતમનગરમાં રહેતાં રિઝેન્ટા હોટલના માલિક અમિત પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની હોટલ સામે માર્ગ અને મકાન વિભાગની જમીન આવેલી છે જ્યાં તેમણે સ્વખરચે પાર્કિંગ માટે જગ્યા રિનોવેટ કરી જગ્યા પાર્કિંગ માટે ભાડેથી રાખી છે.

છતાં બાજુમાં આવેલાં પ્રેસ્ટિઝ ચેમ્બરમાં ઓફિસ ધરાવતાં હેમંત હસમુખ પટેલ તેમજ અમરજિત રામસિંહ વરાછીયા તેમજ તેમના મિત્રો મહેન્દ્રસિંહ અજિતસિંહ ગઢવી અને વિરેન્દ્રસિંહ રાજ તેમના ત્યાં કાર પાર્ક કરતાં હતાં. તેમને ના કહેવા છતાં તેમની કાર ત્યાંજ પાર્ક કરતાં સિક્યુરીટી ગાર્ડે અટકાવતાં તેને ધમકાવ્યો હતો.

જેથી તેઓ તેમને સમજાવવા જતાં વિરેન્દ્રસિંહ રાજ, મહેન્દ્રસિંહ અજીતસિંહ ગઢવી, અમરજીત રામસિંહ વરાછીયા તેમજ હેમંત હસમુખ પટેલે તેમના પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે કુલ 8 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ધીંગાણાના પગલે એક તબક્કે તંગદિલી ફેલાઇ હતી. જોકે પોલીસ મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...