ભરૂચ શહેરમાં સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા કસક સર્કલમાં વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી આ સમસ્યાના હલ માટે પેવર બ્લોકનો રસ્તો બનાવવા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જે માટે કોન્ટ્રાક્ટરે કામગીરી પણ શરૂ કરી દીધી હતી. જોકે, બાદમાં કસક વિસ્તારમાં બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવાના કારણે બન્ને બાજુ પર દોઢથી બે ફૂટ ઊંચાઇ હોવાના કારણે માર્ગો પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એક વાહન ચાલકે કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હોવાના આક્ષેપ પણ થયા છે.
યોગ્ય કાર્યવાહી કરવાની માગ
કસક વિસ્તારમાં રોડની બન્ને સાઈડ ખુલ્લી ગટરોના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે, આ વિસ્તારમાં બે ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અનેક નેતાઓ રહેતા હોવા છતાં આ વિસ્તારની સ્થિતી આવી છે. ત્યારે અન્ય વિસ્તારોનું સ્થિતિ તો કેવી હશે, ખુલ્લી ગટરોની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી દુકાનદારો માગ કરી રહ્યા છે.
પાલિકા પ્રમુખની બાંહેધરી
આ બાબતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે કામગીરી ખોરંભે ચઢી છે, પરંતુ બે-ત્રણ દિવસમાં અધુરી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.