આક્ષેપ:આમોદ મેઈન બજારમાં ગટરના દૂષિત પાણી વહેતાં લોકો પરેશાન

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી એસોસિએશને પાલિકા સામે મૌન ધારણ કર્યું હોવાનો આક્ષેપ

આમોદ નગરના મેઈન બજારમાં ગટરના ગંદા પાણી વહેતા થતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. અહીંના પ્રતિષ્ઠ નેતાઓ તેમજ વેપારી એસોસિયેશન પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. નગરજનો તેમજ વેપારીઓ હાલ રોગચાળાનો ભય ફેલાયો છે.

ભાજપ શાસિત આમોદ નગર પાલિકા નેતાઓના અંદરો અંદરના વિખવાદ તેમજ અણઘડ વહીવટને લઈને સતત વિવાદ રહેવા ટેવાયેલી છે. નગરના વિકાસના કામો તેમજ મુખ્ય પ્રાણપ્રશ્નો એટલે કે ઉભરાતી ગટરો, મચ્છરોનો ઉપદ્રવ, ફિલ્ટર પાણીના પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. ત્યારે પાલિકાના શાસકોએ નગરજનોને મરળાપાત્ર સુવિધા વંચિત રાખી પુરતી સુવિધા નહીં આપતાં નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.

પાલિકાના અંધેર વહીવટના પાપે ફરી એકવાર દિલાવર મંઝિલ વિસ્તારમાંથી ગટરમાંથી ગંદકી સાથે ગંદુ પાણી ઉભરાઈને છેક પાલિકા કચેરી પાસેના તિલક મેદાન સુધી જાય છે. મુખ્ય બજારમાં સતત ઉનાળાની ગરમીમાં મેઈન બજારમાં દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરનું ગંદુ પાણી માર્ગો પર વહી રહ્યું છે.

સત્તાધારી નેતાઓ જાણે ખોવાઈ ગયા હોય તેમ પાલિકાનું કોઈ કામ થતું જ નથી. સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ નગર પ્રોજેક્ટ પર રાજકીય રંગના કારણે નગરજનોને મૂળભૂત સેવાઓ મળતી નથી તેવું લોકોનું કહેવું છે. આમોદ પાલિકાના વિરોધ પક્ષના સદસ્ય ઉમેશ પંડયાએ વેપારી એસોસીએશન પણ સત્તાધારી પાલિકાની સામે મૌન ધારણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...