સમસ્યાનો સુખ:દ અંત:લુવારા નજીક 12.50 કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ, પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા અને દરિયાના સંગમ સ્થાનમાં વિમલેશ્વરથી મીઠીતલાઈ આવતા 400 મીટર કાદવ કીચડમાં પરિક્રમાવાસીઓને ચાલવું પડતું હતું

નર્મદા પરિક્રમાવાસીઓને હાંસોટ તાલુકાના વિમલેશ્વરથી વાગરાના મીઠીતલાઈ સુધી આવતા નર્મદા અને દરિયાના સંગમસ્થાનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. નર્મદા પરિકર્મવાસીઓની તકલીફોને ધ્યાને લઇ સરકારે લુવારા નજીક રૂપિયા 12.50 કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ કર્યું હતું.

મૂળ જબલપુરના અને નર્મદા પરિક્રમા સંત સમિતિના સ્વામી ગિરિશાનંદ સરસ્વતી વર્ષ 2011માં નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. નર્મદા અને દરિયાના સંગમસ્થાન એવા હાંસોટ ના વમલેશ્વરથી નાવડીઓમાં બેસી નર્મદાને ક્રોસ કરી મીઠી તલાઈ આવી રહ્યા હતા. દરમ્યાન મીઠીતલાઈ નજીક દરિયામાં ભરતીના પાણી ઓસરી જતા નાવડીઓ ફસાઈ જવાના ભયથી નાવિકોએ તમામ પરિક્રમાવાસીઓને અધવચ્ચે ઉતારી મુક્યા હતા. પરિક્રમવાસીઓ કાદવ કીચડમાં ચાલતા કીચડમાં પડ્યા હતા. જેનો છ મિનિટનો વિડીયો બનાવાયો હતો.

સ્વામી ગિરિશાનંદ સરસ્વતી આ ઘટનાથી નારાજ થયા હતા. તેમણે છ મિનિટનો વિડીયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને વિડીયો મોકલી પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવા અપીલ કરી હતી. જેની નોંધ નરેન્દ્રભાઈએ લઈ સરકારમાં જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લુવારા નજીક નર્મદા પરિક્રમવાસીઓની સુગમતા માટે જેટી બનાવવા રૂપિયા 8.50 કરોડ ફળવ્યા હતા. જેના પગલે જેટી બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. દરમ્યાન નર્મદા પરિક્રમા સંત સમિતિએ પરિકર્મવાસીઓને આરામ કરવા વિશ્રામગૃહ બનાવવા અપીલ કરતા રૂપાણી સરકારે વધુ 4 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

લુવારા પાસે ગુજરાત મેરિટાઇમ બોર્ડ ઘ્વારા જેટી અને વિશ્રામ ગૃહનું નિર્માણ કરાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ વિધિવત તક્તિ અનાવરણ કરી જેટી અને વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા પરિકર્મવાસીઓ માટે વિમલેશ્વરથી બોટ અને નવડાઓ ઘ્વારા મીઠીતલાઈ આવવું મુશ્કેલીભર્યું હતું. ઘણી વખત બોટ ફસાઈ જતા પરિકર્મવાસીઓની હાલત કફોડી બનતી હતી. 2020 એક પરિકર્મવાસીઓની ટીમ વિમલેશ્વરથી બોટમાં મીઠીતલાઈ આવતી હતી. દરમ્યાન ત્રિવેણી સંગમમાં બરાબર વચ્ચે બોટ ફસાઈ જતા પરિકર્મવાસીઓ માટે જોખમ ઉભું થયું હતું. તે સમયે તત્કાલીન જિલ્લા કલેકટરની સુચનાઓનાં પગલે રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ પરિકર્મવાસીઓ સહીસલામત બહાર લવાયા હતા.

શું ફાયદો થશે ?
નર્મદા પરિક્રમાની યાત્રા કુલ 3400 કિમીની થાય છે. નર્મદા સંગમ સ્થળે હાંસોટના વમલેશ્વરથી વાગરાના મીઠી તલાઈ ગામે જવા માટે ખૂબ તકલીફ પડતી હતી. બોટમાંથી ઉતર્યા બાદ પરિક્રમાવાસીઓને 400 મીટર જેટલું કિચડમાંથી ચાલીને જવું પડતા ખૂબ મુશ્કેલી પડતી હતી. જેના માટે જેટી સાથે 400 મીટરનો બ્રિજ બનાવાયો છે. મીઠી તલાઈ ખાતે આરમ કરવા માટે પરિક્રમાવાસીઓ માટે સુવિધા નહોતી તેના માટે વિશ્રામગૃહ પણ બનતા પરિક્રમાવાસીઓને હવે તકલીફ નહીં પડે.

વર્ષ 2020માં પણ એક બોટ ફસાઈ હતી
નર્મદા પરિકર્મવાસીઓ માટે વિમલેશ્વરથી બોટ અને નવડીમાં મીઠીતલાઈ આવવું મુશ્કેલ હતું. વર્ષ 2020માં એક ટીમ વિમલેશ્વરથી બોટમાં મીઠીતલાઈ આવતા ત્રિવેણી સંગમ પાસે વચ્ચે બોટ ફસાઈ જતા પરિકર્મવાસીઓ માટે જોખમ ઉભું થયું હતું. તે સમયે તત્કાલીન જિલ્લા કલેકટરની સુચનાથી રેસ્ક્યુ કરી સલામત બહાર લવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...