ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થઇ ગયાં છે અને પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ખાસ કરીને ભાજપે જંબુસર બેઠક કોંગ્રેસ પાસેથી અને ઝઘડિયા બેઠક બીટીપી પાસેથી આંચકી લઇ સૌને ચોંકાવી દીધાં છે. જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવતું કાકરીયા ગામ ચૂંટણી પહેલાં ખાસ્સુ ચર્ચામાં રહયું હતું. કાંકરીયામાં હીંદુ સમાજના લોકોનું ધર્માતરણ કરી દેવાયું હોવાનો મામલો રાજયભરમાં ચગ્યો હતો. આ ગામની વાત કરવામાં આવે તો કાંકરીયા ગામમાંથી ભાજપને 342 અને કોંગ્રેસને 36 મત મળ્યાં છે.
કાંકરીયા ગામના આદિવાસી પરિવારોને લોભ અને લાલચ આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં વિદેશમાં બેઠેલા એક મૌલવીની પણ સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રાજયમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યાં હતાં. કાંકરીયા ધર્માંતરણ કેસની અસર વિધાનસભાની ચૂંટણીમાં પડવાના આસાર દેખાય રહયાં હતાં. ચૂંટણી પહેલાં આમોદ નજીક જ આવેલાં વાગરામાં દેશના ગૃહમંત્રી અમિત શાહે કોમી રમખાણો, રામ મંદિર સહિતના મુદ્દાઓ ઉછાળ્યાં હતાં. વાગરા અને જંબુસરમાં ભાજપે ખેલેલો હીંદુત્વનો દાવ સફળ રહયો છે તેમ પરિણામો પરથી લાગી રહયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.