પેટા ચૂંટણી પરિણામ:ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 ની બેઠક કોંગ્રેસે ગુમાવી, AIMIMએ બાજી મારી, નિકોરામાં BJPએ સત્તા જાળવી રાખી

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 10 માં AIMIMના સાદીકા શેખને 2809 મત મળતા જંગી વિજય
  • નિકોરા બેઠક ઉપર ભાજપના રેવાબેન પટેલને 3057 મત મળતા જીત મેળવી
  • નિકોરા બેઠક પર ભાજપ નાણાંના જોરે જીત્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

​​​​​​

ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બન્ને બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. નિકોરામાં BJP એ સત્તા જાળવી રાખી છે. પરિણામો બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે નિકોરામાં ભાજપે નાણાંના જોરે જીત હાંસલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ભરૂચ પાલિકાની વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડૂ પડતા AIMIMના સાદીકા શેખનો જંગી 2809 મત મેળવી જંગી વિજય થયો છે. ત્યારે ફહીમ શેખે આ જીતને સ્થાનિક લોકોએ પક્ષ પર મુકેલો વિશ્વાસ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકાની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મીષ્ટા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડતા રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી.

ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની બેઠક માટે માત્ર 34.72 ટકા જ્યારે તાલુકાની નિકોરા બેઠક માટે 63.41 ટકા મતદાન નોંધાયું હતું. આજે મંગળવારની મત ગણતરીમાં કોંગ્રેસના ગઢ એવા ભરૂચ વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં AIMIM બાજી મારી ગયું હતું. BJPના ફાતમા ફઝલ પટેલને 1400 મત, કોંગ્રેસના સાયરા મોહમ્મદ શેખને 1303 જ્યારે AAP ના ફરીદા ઝફર શેખને માત્ર 180 મત મળ્યા હતા. તેમજ AIMIM ના સાદીકા શેખનો જંગી 2809 મત મળતા તેમનો વિજય થયો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખે વોર્ડ 10નું પરિણામ આઘાત જનક ગણાવી પક્ષ હારનું આત્મચિંતન કરશે તેમ કહ્યું હતું.

ભરૂચ તાલુકાની નિકોરા બેઠક ઉપર 3057 મતો સાથે BJPના રેવાબેન કલ્પેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના માધુરીબેન પ્રકાશભાઈ વસાવાને માત્ર 1698 મત મળ્યાં હતાં.

પરિણામો બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે નિકોરામાં ભાજપે નાણાંના જોરે જીત હાંસલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ભાજપે તમામ મતદારોનો આભાર માન્યો હતો. હવે પાલિકામાં ભાજપ પાસે 31, કોંગ્રેસ પાસે 10 , AIMIM 2 અને 1 અપક્ષ બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...