ઉમેદવારોની જાહેરાત:કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છેલ્લી ઘડીએ નાંદોદના ધારાસભ્ય કપાયાં

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગરા, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઝઘડિયા અને નાંદોદમાં ઉમેદવારો નક્કી : ભરૂચ અને જંબુસરમાં અસમંજસની સ્થિતિ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવા માટે સોમવાર અંતિમ દિવસ છે. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડીયા બેઠક માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ગુરૂવારે ભાજપે 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. જયારે કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાતમાં છાશ પણ ફુંકીને પી રહી છે. ગત રોજ મોડી રાત્રે કોંગ્રેસે ભરૂચની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસે વાગરા બેઠક માટે સુલેમાન પટેલ, અંકલેશ્વર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલના ભાઇ વિજય પટેલ અને ઝઘડીયા બેઠક માટે ફતેસિંહ વસાવાની પસંદગી કરી છે. ભરૂચ અને જંબુસર બેઠક પર કોકડું ગુંચવાયેલું હોવાથી હજી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. સંભવિત વિરોધને રોકવા માટે આ બેઠક પરના ઉમેદવારોને મોવડી મંડળ ટેલીફોનિક સુચના આપે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.શુક્રવારે મોડી સાંજે જાહેર થયેલાં ઉમેદવારોમાં નાંદોદના વર્તમાન ધારાસભ્ય પી.ડી.વસાવાના બદલે હરેશ વસાવાને ટિકિટ અપાઇ છે.

નાંદોદ ઃ પી.ડી. વસાવાને રિપીટ ન કરાયાં
હરેશ વસાવા એમ.એ બીપીએડ ખેતી, 2017નું પરિણામ કોંગ્રેસના ઉમેદવાર જીત્યાં હતાં
પસંદગીનું કારણ શું ઃ વિધાનસભાની 2017માં થયેલી ચુંટણીમાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન હતું જેના કારણે બીટીપીએ આ બેઠક પર ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. આ બેઠક પર કોંગ્રેસના પી.ડી. વસાવા વિજેતા બન્યાં હતાં. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પી.ડી.વસાવાની ટીકીટ કાપી યુવા ચહેરાને તક આપી છે.

વાગરા ઃ સુલેમાન પટેલ પર ફરી ભરોસો
સુલેમાન પટેલ ધોરણ -10 ખેતી, 2017નું પરિણામ ભાજપ પાતળી સરસાઇથી જીત્યું
પસંદગીનું કારણ શું ઃ વાગરા બેઠક પર 2017ની ચુંટણીમાં કોંગ્રેસનો 2 હજાર મતની પાતળી સરસાઇથી પરાજય થયો હતો. તમામ સમાજમાં પ્રભુત્વ ધરાવતાં સુલેમાન પટેલ પર કોંગ્રેસે ફરીથી પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાલુ વર્ષે થનારી ચુંટણીમાં આમ આદમી પાર્ટી પર મેદાનમાં હોવાથી કોંગ્રેસ કોઇ રીસ્ક લેવા માગતી નથી.

ઝઘડિયા ઃ યુવા ચહેરાને ચૂંટણી લડાવાશે
ફતેસિંહ વસાવા ધોરણ -5 ખેતી, 2017નું પરિણામ બીટીપીના ઉમેદવારનો વિજય થયો હતો
પસંદગીનું કારણ શું ઃ આ બેઠક પરથી ફતેસિંહ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ઝઘડીયા બેઠક પર કોંગ્રેસને કઇ ગુમાવવાનું પણ નથી અને મેળવવાનું પણ નહિ હોવાથી નવા ચહેરાને તક આપવામાં આવી હોવાનું ચર્ચાઇ રહયું છે. બીજી તરફ ભાજપે પણ યુવા ચહેરાને તક આપી છે. આ બેઠક પર છોટુ વસાવાનો દબદબો છે.

અંકલેશ્વર ઃ ભાઇની સામે ભાઇને ઉતારાયાં
વિજય પટેલ બીએ એલએલબી ખેતી, મીઠા ઉદ્યોગ, 2017નું પરિણામ ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય

પસંદગીનું કારણ શું ઃકોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર કોંગ્રેસ કોળી પટેલ ઉમેદવાર ઉતારતી આવી છે. ચાલુ વર્ષે કોંગ્રેસે વિજય પટેલને ટિકિટ આપી છે. વિજય પટેલ વર્તમાન ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના સગા ભાઇ છે. બંને ભાઇઓ વચ્ચે ચાલતાં વિવાદનો લાભ લેવા માટે કોંગ્રેસે વિજય પટેલને ટિકિટ આપી છે.

ડેડિયાપાડા ઃ જિ.પં.ના પૂર્વ પ્રમુખને ટિકિટ અપાઇ, જેરમાબેન વસાવા બી.એ એએસડબલ્યુ સામાજિક કાર્ય
2017નું પરિણામ આ બેઠક ઉપર બીટીપીના ઉમેદવાર વિજેતા
પસંદગીનું કારણ શું ઃ ડેડીયાપાડા બેઠક પર 2017ની ચુંટણીમાં બીટીપી - કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જેરમાબેન નર્મદા જિ. પં.ના પ્રમુખ પણ રહી ચુકયાં છે.

અન્ય સમાચારો પણ છે...