ભાસ્કર વિશેષ:30 દિવસની મહેતલ મળતાં ભરૂચ પાલિકાને હાશકારો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ કચરાપેટીઓ ઉભરાય છે. - Divya Bhaskar
ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ કચરાપેટીઓ ઉભરાય છે.
  • ગામના લોકોએ ડમ્પિંગ સાઇટનો વિરોધ કર્યો હતો : પાલિકાએ ટેન્ડર બહાર પાડયાં

ભરૂચ નગરપાલિકાની કચરો ડમ્પ કરવાની કામગીરી સામે થામના રહીશોએ વિરોધ કર્યા બાદ ત્રણ દિવસથી કચરાના નિકાલની કાર્યવાહી અટકી પડી હતી. અધિકારીઓ તથા પદાધિકારીઓની મધ્યસ્થી બાદ ગામલોકોએ નગરપાલિકાને એક મહિનાની મહેતલ આપી છે. ભરૂચ શહેરના 100 ટન કરતાં વધારે કચરાનો માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટમાં નિકાલ કરવામાં આવતો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના બદલાયેલા નિયમો તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી ઓકટોબર 2021થી માંડવા ગામની ડમ્પીંગ સાઇટ બંધ કરી દેવામાં આવી છે.

માંડવાની ડમ્પીંગ સાઇટ બંધ થતાં પાલિકા નવી સાઇટ માટે શોધખોળ કરી રહી છે. બીજી તરફ ચાર નગરપાલિકાના કચરાના નિકાલ માટે બનાવવામાં આવેલો સાયખાનો પ્રોજેકટ પણ કાર્યાન્વિત થઇ શકયો નથી. નગરપાલિકાએ હંગામી ધોરણે ટંકારીયા ગામની સીમમાં થામ રોડ પર ખેતર એક વર્ષ માટે ભાડે લીધું છે. આ ખેતરમાં નગરપાલિકા કચરાનો નિકાલ કરતી હતી પણ થામ ગામના લોકોએ વિરોધ કરતાં કચરાનો નિકાલ અટકી ગયો હતો. ત્રણ દિવસ સુધી શહેરમાં કચરાના ઢગલા થઇ ગયાં હતાં અને કચરાપેટીઓ પણ હાઉસફુલ થઇ ગઇ હતી.

આખરે અધિકારીઓ અને પદાધિકારીઓએ થામ ગામના આગેવાનોની મુલાકાત લીધી હતી અને ગામલોકોને નગરપાલિકાને કચરાના નિકાલ માટે યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી કચરો નાંખવા દેવા જણાવ્યું હતું. આખરે ગામલોકોએ નગરપાલિકાને એક મહિનાની મહેતલ આપી છે. એક મહિના સુધી થામની ડમ્પીંગ સાઇટ પર કચરાનો નિકાલ કરવા દેવા બંને પક્ષો વચ્ચે સહમતી સધાઇ છે.

નગરપાલિકાએ ટેન્ડર મંગાવ્યાં છે
ભરૂચમાંથી કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકાએ ટેન્ડર મંગાવ્યાં છે અને તેમાં 6 થી 7 જેટલી એજન્સીઓએ રસ દાખવ્યો છે. કંથારીયાની સાઇટ પર કચરાનો નિકાલ શરૂ થઇ ગયો છે. ટુંક સમયમાં કાયમી વ્યવસ્થા ગોઠવી દેવાશે. - અમિત ચાવડા, પ્રમુખ, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...