• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Complaint Of Rs 85 Crore Financial Scam Against Former Chairman Of Bharuch's Walia Shri Ganesh Sugar, Police Detain Sandeep Mangrola

સુગર ફેક્ટરીમાં 85 કરોડનું કૌભાંડ:ભરૂચના વાલિયાની શ્રી ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સામે કરોડોના આર્થિક કૌભાંડની ફરિયાદ, પોલીસે સંદીપ માંગરોલાની અટકાયત કરી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંદીપ માંગરોલાની અટકાયત. - Divya Bhaskar
સંદીપ માંગરોલાની અટકાયત.
  • ભાજપના ઈશારે સત્તાનો દુરુપયોગ કરી સહકારી અને રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાની રાજરમતનો આક્ષેપ
  • સંદીપ મંગરોલા સહિત 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચની શ્રી ગણેશ સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા સહિત 8 લોકો સામે 85 કરોડના આર્થિક કૌભાંડની ફરિયાદ નોંધાતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. કૉંગ્રેસના આગેવાન અને વટારિયા સુગર ફેકટરીના ચેરમેન માંગરોલા વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સંદીપ માંગરોલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સંદીપ માંગરોલાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતાના રાજકીય અને સહકારી કારકિર્દી સમાપ્ત કરવાનું આ કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે.

સંદીપ માંગરોલાની અટકાયત.
સંદીપ માંગરોલાની અટકાયત.

11 વર્ષ દરમિયાન કૌભાંડ આચરવામા આવ્યું હોવાનો આક્ષેપ
શ્રી ગણેશ સુગર ફેકટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ સુણવા દ્વારા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વટારિયા સુગર ફેકટરીના ચેરમેન સંદીપ ઉર્ફે સુરજિતસિંહ માંગરોલા તથા અન્ય આરોપીઓએ ખેડૂતોનાં નાણાં અંગત સ્વાર્થ માટે વાપરીને સુગર ફેકટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 2008-09થી 2019-20ના સમયગાળામાં સુગર ફેકટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફત કરી સંસ્થા સાથે છેતરપિંડી કરી છે. સુગર ફેકટરીને ખાંડ કે મોલાસીસના જે ઓર્ડર મળે એની પૂરેપૂરી રકમ એડવાન્સમાં લેવાની હોય છે અથવા પૂરેપૂરી રકમ સંસ્થાના બેંક ખાતામાં આરટીજીએસ કરવાની હોય છે, પણ ચેરમેન સંદીપ માંગરોલા તથા તેમના મળતિયાઓએ આ રકમ તેમના અંગત બેંક ખાતાંમાં જમા કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેરમેને પોતાના હોદ્દાનો દુુરુપયોગ કરી લોન આપવામાં પણ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સત્તાના જોરે રાજકીય અને સહકારી રાજકારણ પૂરું કરવાનું કાવતરું : સંદીપ માંગરોલા
FIRમાં કરાયેલા તમામ આક્ષેપો જૂના છે, જેની અનેક એજન્સીઓ તપાસ કરી છે. સરકાર સત્તાના જોરે મારી સહકારી અને રાજકીય કારકિર્દી પૂરી કરવા આ ષડયંત્ર રચી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર મંડળીઓની ચૂંટણી યોજાઈ ગઈ હોવા છતાં એકમાત્ર ગણેશ સુગરની જ યોજવામાં આવી રહી નથી. ભાજપ સરકારના ઈશારે ખેલ ખેલાઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કરી તેમની સામે ફરિયાદમાં મુકાયેલા તમામ આરોપ પાયાવિહોણા હોવાનું કહ્યું હતું.

પત્રકાર પરિષદ યોજ્યા બાદ સંદીપસિંહ માંગરોલાની અટકાયત
વાલિયા સ્થિત વટારિયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત 8 લોકો સામે 85 કરોડની ઉચાપતની ફરિયાદથી ભરૂચ જિલ્લામાં સહકારી અને રાજકારણ ક્ષેત્રે હડકપ મચી ગઇ છે. રવિવારે રાતે વાલિયા પોલીસ મથકે સભાસદે મધરાતે ફરિયાદ નોંધાવ્યા બાદ સોમવારે બપોરે ભરૂચમાં પત્રકાર પરિષદ યોજ્યા બાદ તરત જ પૂર્વ ચેરમેનની ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

ગણેશ સુગરમાં 2003થી 2020 સુધી સંદીપ માંગરોલા અને તેની પેનલનો દબદબો રહ્યો
છેલ્લી 3 ટર્મ એટલે કે 2003થી 2020 સુધી ગણેશ સુગરના ચેરમેન તરીકે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલા અને તેમની પેનલ ચૂંટાતી આવી છે.

કોની કોની સામે નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ?

  1. પૂર્વ ચેરમેન સુરજિતસિંહ ઉર્ફે સંદીપસિંહ અમરસિંહ માંગરોલા રહે. જલદર્શન સોસાયટી, અંક્લેશ્વર
  2. તત્કાલીન MD બનેસિંહ સૂરસિંહ ડોડિયા રહે. ગાર્ડન સિટી અંક્લેશ્વર
  3. તત્કાલીન ચીફ એકાઉન્ટન નરપતસિંહ કે . સોલંકી રહે. અંક્લેશ્વર GIDC
  4. તત્કાલીન ગણેશ શુગરના વહીવટી કર્મચારીઓ
  5. અભિરાજ એજન્સીના માલિકો
  6. કિંજલ કેમિકલ્સ પ્રા.લિ. અંક્લેશ્વર , ઝઘડિયાના તત્કાલીન માલિકો
  7. અમદાવાદ મહેશ એન્ટરપ્રાઈઝના માલિકો
  8. અંકલેશ્વર યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલીન મેનેજર તથા કર્મચારીઓ
અન્ય સમાચારો પણ છે...