ઉચાપત:વાલિયા ગ્રામ પંચાયતના વેરા કૌભાંડ મામલામાં વસૂલાત કારકુન ધર્મેન્દ્ર રાઠોડ વિરૂદ્ધ રૂપિયા 42 હજારની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરા ધારકોના નાણાં ઉચાપત કર્યા હોવાનું ધ્યાન પર આવતા પંચાયત દ્વારા નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા તાકીદ પણ કરાઈ હતી
  • તલાટિ કમ મંત્રીએ 42 હજારથી વધુની રકમની ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

વાલિયા ગ્રામ પંચાયતના વેરા કૌભાંડ મામલામાં આખરે વસૂલાત કારકુન ધર્મેન્દ્ર રાઠોડ વિરુદ્ધ રૂપિયા 42 હજારની ઉચાપત કરી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મૂળ સુરતના ઉમરપાડા તાલુકાનાં ખોકવાડ ગામના અને હાલ વાલિયા ગ્રામ પંચાયત પાસે રહેતા તલાટિ કમ મંત્રી અંજનાબેન વાસુભાઈ વસાવાએ વાલિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ વાલિયા ગ્રામ પંચાયતમાં હંગામી ધોરણે વસૂલાત કારકુન તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ રાઠોડે તારીખ 22-7-21ના રોજ વાલિયાની આદિત્ય નગર ખાતે રહેતા વિજયસિંહ ચાવડાના બાકી ઘરવેરાના 18.420 રૂપિયાને બદલે પંચાયતની કચેરીની પહોંચ પર 7740નો તફાવત જણાઈ આવ્યો હતો.

ત્યારબાદ અલગ-અલગ સાત વેરા ધારકોના નાણાં ઉચાપત કર્યા હોવાનું ધ્યાન પર આવતા પંચાયત દ્વારા ગત તારીખ-23-8-21ના રોજ નોટિસ ફટકારી બે દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી. તેમજ ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઈન્ચાર્જ સરપંચ કુમુદબેન ગોહિલની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં વસૂલાત કારકુનના વેરા કૌભાંડ મામલે ધર્મેન્દ્ર રાઠોડની વેરા પાવતીમાં તફાવત ધ્યાન પર આવ્યો હતો. જેથી વસૂલાત ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ રાઠોડને ખુલાસો આપવા સાત દિવસની મુદ્દત આપવામાં આવી હતી. જે અંગે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ વસૂલાત કારકુન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરતાં તલાટિ કમ મંત્રીએ 42 હજારથી વધુની રકમની ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...