ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી પ્રિતમ નગર-1 પાસેના વૈકુંઠ બંગ્લોઝ ખાતે રહેતાં અજીત રાધેશ્યામ માલપાની ગઇકાલે બપોરના સમયે તેમના ઘરે હતાં. તે વેળાં તેમના ઘરની આસપાસ રહેતાં છોકરાઓ એક રખડતી શ્વાનને મારવા માટે દોડતાં હોઇ તેમણે બાળકોને ઉભા રાખી તમે કેમ શ્વાનને મારો છો તેમ પુછ્યું હતું. જેથી તેમણે જણાવ્યું હતું કે, શ્વાન સોસાયટીના લોકોને કરડે છે.
ઉપરાંત ઉમેરયું હતું કે, તે હડકાયેલું છે. જેથી અજીત માલપાનીએ તેમને શ્વાનને નહીં મારવાનું જણાવી તેઓ તેને કાલે પાંજરૂ મંગાવી લઇ જઇ બીજે મુકી આવશે તેમ જણાવ્યું હતું. બાદમાં શ્વાનને તેમણે દુધ પિવરાવતાં તે હડકાયલું ન હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ રાત્રીના સમયે વિસ્તારના કાર્તિકભાઇ તેમજ મિતભાઇ સહિત કેટલાંક યુવાનોએ આવી જણાવ્યું હતું કે, બપોરે જે શ્વાનની વાત ચાલી રહી હતી. તેને નવીનગરી, રચના પાર્ક પાસે રહેતાં વિજય મોરેએ લાકડીના સપાટા મારી ગંભીર રીતે ઘાયલ કરી છે. તેથી તેઓ તુરંત નવીનગર રોડ પર પહોંચી ગયાં હતાં.
જ્યાં તેમને શ્વાન ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને તાત્કાલિક એક પશુ ડોક્ટર પાસે સારવાર કરાવી હતી જ્યાંથી તેને પરત લાવી રહ્યાં હતાં ત્યારે તેનું રસ્તામાં મોત થયું હતું. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વિજય મોરે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.