કાર્યવાહી:વ્યાજચક્રમાં ફસાયેલાં ચાર શખ્સોની એક મહિલા સહિત 9 વ્યાજખોર સામે ફરિયાદ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પાંચ વ્યાજખોરોને ઝડપી પાડ્યાં : કોરોના મહામારીની મંદી, બીમારી-ધંધાર્થે લોકોએ વ્યાજે રૂપિયા લીધાં હતાં

વ્યાજખોરોના ઉંચા દરના ધિરાણના ચક્કરમાં ફસાઇને અનેક લોકોનું જીવન નર્ક સમાન બની જાય છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં આવા વ્યાજખોરીને ડામવા માટે એસપી ડો. લીના પાટીલે ખાસ ઝૂંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે જિલ્લામાં 30 જેટલાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોના ડરમાંથી બહાર કાઢી નિર્ભય બની આવા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવે તે માટે અપીલ કરવા સાથે જરૂરી માર્ગદર્શન અપાઇ રહ્યું છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં એક સાથે 4 લોકોએ એક મહિલા સહિત કુલ 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે 3 અને અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસમાં 1 ફરિયાદ નોંધાઇ છે. પોલીસે વ્યાજના બદલામાં બળજબરીથી લઇ લીધેલી એક કાર સહિત હિસાબની ડાયરીઓ અને દુકાના દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરી છે. એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, વ્યાજના ચક્કરમાં ફસાયા હોય તેવા લોકોએ ફરિયાદ આપવા આગળ આવવું જોઇએ. જે લોકોને ડર હોય તેઓએ શહેરમાં મુકવામાં આવેલી ફરિયાદ પેટી અથવા તો 100 નંબર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તેમના નામની ગુપ્તતા પણ જાળવવામાં આવશે.

કિસ્સો-1 : વ્યાજના રૂપિયા ન ચૂકવ્યા તો ભાઇની કાર ઉઠાવી ગયાં ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે વિનાયક કોમ્પ્લેક્ષમાં બંડીધારી પાન પાર્લર ધરાવતાં અને તવરા રોડ પર ઇસ્કોન ગ્રીનસિટી ખાતે રહેતાં ગૌરવ લાભુ મહેતાની દુકાને દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરી ખાતે રહેતાં સતિષ ઉર્ફે સન્ની દિનેશ ટેલર્સ માવો ખાવા આવતાં હોઇ તેમની સાથે મિત્રતા થઇ હતી. તે વ્યાજે રૂપિયા આપતો હોવાનું માલુમ પડતાં તેણે પહેલાં ધંધામાં માલ ભરવા માટે 50 હજાર રૂપિયા 5 ટકાના માસિક વ્યાજે લીધાં હતાં. જે ચુકવ્યાં બાદ તેમણે 3.50 લાખ રૂપિયા 4.33 ટકા માસિક વ્યાજે લીધાં હતાં.

તે પણ તેમણે પુરા કર્યાં હતાં. દરમિયાનમાં વર્ષ 2019માં બોડીલા તાલુકા પાણેજ ગામે જમીન લેવાની હોઇ 5 ટકાના દરે 20 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં. જેના હપ્તા તેઓ ચુકવી રહ્યાં હતાં. અરસામાં માર્ચ 2020માં કોરોના મહામારીન લઇને ધંધા-રોજગાર બંધ થઇ ગયાં હોવા છતાં તે વ્યાજના રૂપિયાને લઇને પરેશાન કરતો હતો. દરમિયાનમાં ઝાડેશ્વર ચોકડીએ જય ટ્રાવેલ્સની દુકાને જઇ તેમના ભાઇને પણ વ્યાજના રૂપિયાને લઇ ધમકાવી તેની કાર લઇને જતો રહ્યો હતો.

કિસ્સો -2 : માત્ર 3 લાખ વ્યાજે લીધાં, 1.80 લાખ ભર્યા છતાં 5.09 લાખ બાકી
ભરૂચ તાલુકાના ચાવજ ગામે ખોડિયારનગર ખાતે રહેતાં અક્ષય રમેશ ધોળકિયા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને જાણ થઇ હતી કે, ચાવજના રચના નગર ખાતે રહેતાં સુરેશ ભિખા પરમાર વ્યાજે પૈસા આપવાનું કામ કરે છે. અક્ષય પર થોડું થઇ ગયું હોઇ સુરેશ પાસેથી વ્યાજે રૂપિયા લઇ નાનુ-મોટું દેવું ચુકવી દેવાનું નક્કી કરત્યું હતું. જેથી તેણે સુરેશનો સંપર્ક કરતાં તેણે નારાયણ એસ્ટેટમાં રહેતાં રાકેશ મોદી સાથે તેનો સંપર્ક કરાવી 3 લાખ રૂપિયા અપાવ્યાં હતાં. જેના બદલામાં તેના કાકાનું મકાનનું બાનાખત કરાવી લીધું હતું.

અરસામાં તે 2021માં એકપણ હપ્તો ભરી શક્યાં ન હતાં. જ બાદ 2022માં તેમને રૂપિયા હપ્તો ચુકવવાનું શરૂ કરી કુલ 1.80 લાખ ચુકવ્યાં હોવા છતાં વ્યાજખોરોએ મુદ્દલના 3 લાખ તેેમજ બાકીના વ્યાજની રકમ મળી કુલ 5.09 લાખનું ઉઘરાણું કાઢી તે ભરવા માટે દબાણ કર્યું હતું. તેમજ તેમનો આપેલાં કોરા ચેકનો ઉપયોગ કરી તેમને કેસમાં ફસાવી દેવાની ધકીઓ આપી હતી. જેના પગલે તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સ્સો - 3 : હોટલ સંચાલક એક-બે નહીં 4 વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો
ભરૂચના ઝાડેશ્વર ખાતે ઓમકારેશ્વર ફ્લેટ ખાતે રહેતાં જિતેન્દ્ર નગીન પટેલ ઝાડેશ્વર ચોકડી પાસે મિ. ચીકન તવાફ્રાઇ નામની હોટલ ધરાવે છે. તેમણે લોકડાઉન વેેળાં હોટલ ચલાવવા માટે તંગી ઉભી થતાં વ્યાજનો ધંધો કરતાં મોસમ નિખીલ શાહ (રહે. વડોદરા) જેમની સાસરી રચના નગર-4માં હોઇ તેમજ ઓફિસ કસકના આદિત્ય કોમ્પ્લેક્ષમાં હોઇ તેમનો સંપર્ક કરી 70 હજાર રૂપિયા વ્યાજે લીધાં હતાં. જે બાદ બીજા 60 હજાર માંગતા અગાઉના 50 હજાર બાકી હોઇ તે કાપી માત્ર 10 હજાર આપ્યાં હતાં. તેમણે તેમની પત્નીનો ચેેક સિક્યુરિટીમાં આપ્યો હોઇ તે બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જે બાદ ધંધાર્થે તેણે ધર્મનગર રોડ પર આવેલાં પરમ કોમ્પલેક્ષ ખાતે રહેતાં મયુર રમણ પટેલ પાસેથી પણ વ્યાજેથી રૂપિયા લીધાં હતાં. જે પુરા નહીં ભરાતાં મયુરે પણ તેની પત્ની વિરૂદ્ધ કેસ કર્યો હતો. જે બાદ રામેશ્વર પાર્ક સોસાયટી ખાતે રહેતાં દિલીપ સોમચંદ્ર જાદ પાસેથી 1 લાખ લીધાં હતાં. જેમાં 13 હજાર રૂપિયા બાકી હોવા છતાં કોર્ટ કેસની નોટીસ આપી હતી. જે બાદ તેણે જ્યોતિનગર - 1 ખાતેે રહેતાં દેવાંગ ઉર્ફે દેવ મેહતા પાસેથી તેની પત્નીના નામે 1 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં.

કિસ્સો - 4 : પિતાની બીમારી માટે 1.55 લાખ વ્યાજે લીધા, 15 લાખની ઉઘરાણી આવી
અંકલેશ્વર શહેર માં રામકુંડ રોડ પર આવેલ ફતેહનગર ખાતે રહેતા 31 વર્ષીય આદિલ મલેક એ 2019 માં પિતા ની અત્યંત ગંભીર બીમારી ના ઈલાજ માટે અંકલેશ્વર શક્તિ નગર ખાતે રહેતા સંદીપ ભાઈ કાયસ્થ પાસે ટુકડે ટુકડે 1.55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયા સંદર્ભે 4 કોરો ચેક પોતાની બહેન ના એકાઉન્ટ માંથી આપ્યા હતા. જે બાદ 1.50 લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય ઈસમ ના ગુગલ પે પર થી 50 હજાર રૂપિયા પરત કર્યા હતા. વ્યાજ ની રકમ નહી ચુકવતા ધમકી આપતા હતા.

દરમિયાન ગત રોજ સંદીપ કાયસ્થ અને તેની પત્ની નિકિતા કાયસ્થ આદિલ મલેક ના ધરે ગયા હતા ને મુદ્દલ રકમ 1.55 લાખ રૂપિયા અને વ્યાજ ના 10 રૂપિયા ની માગણી કરી હતી જો રૂપિયા નહિ આપે તો ચેક એકાઉન્ટ માં નાખી બાઉન્સ કરાવી ચેક રીટન નો કેસ કરવાની ધમકી આપી હતી. અંતે આદિલ મલેક એ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 12 થી 15 % વ્યાજે નાણાં ધીરધાર ના કોઈપણ પરવાના વગર ઉંચા વ્યાજે રૂપિયા આપી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવી ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...