32 વર્ષના એકહથ્થુ શાસનનો અંત:ઝઘડિયા બેઠક પર સતત સાત ટર્મ ધારાસભ્ય રહેલા છોટુ વસાવાએ હારનું ઠિકરું EVM પર ફોડ્યું

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પર 32 વર્ષથી ધારાસભ્ય પદ ભોગવનાર છોટુ વસાવાની 2022ના ચૂંટણી જંગમાં ભાજપના રિતેશ વસાવા સામે હાર થતા છોટુ વસાવાએ પોતાની હારની ઠિકરું EVM પર ફોડ્યું છે. છોટુ વસાવાએ EVMની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી છે.

EVMના બદલે બેલેટથી ચૂંટણી કરાવવાની માગ
ભરૂચની ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવા 1990થી સતત જીતતા આવ્યા છે. જો કે, 2022માં છોટુ વસાવાએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. છોટુ વસાવાએ પોતાની હાર બાદ કહ્યું હતું કે, EVM કારણે હાર થઈ છે. તેમણે EVMના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની પણ માગ કરી છે.

છોટુ વસાવાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડી હતી
છોટુ વસાવા પહેલા જેડીયુમાંથી ચૂંટાઈ આવતા હતા અને 2017માં BTPમાંથી ચૂંટાયા હતા. જો કે, આ વખતે ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાની જગ્યાએ તેમના પુત્ર મહેશ વસાવાએ BTPમાંથી ઉમેદવારી કરી હતી. જેના કારણે નારાજ થયેલા છોટુ વસાવાએ પોતાની પરંપરાગત બેઠક પરથી અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. જો કે, બાદમાં મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. પરંતુ, અહીં છોટુ વસાવાએ અપક્ષ તરીકે જ ચૂંટણી લડવી પડી હતી.

આ વખતે અપક્ષ અને કૉંગ્રેસ પણ મેદાનમાં હતી
ઝઘડિયા બેઠક પર આ વખતે છોટુ વસાવાની સીધી ટક્કર ભાજપના રિતેશ વસાવા સામે હતી. અહીં આમ આદમી પાર્ટીમાંથી ઉર્મિલા ભગત અને કૉંગ્રેસમાંથી ફતેસિંગ વસાવા મેદાનમાં હતા. અહીં રિતેશ વસાવાને 89 હજાર 933 મત, છોટુ વસાવાને 66 હજાર 433 મત, આપના ઉર્મિલા ભગતને 19 હજાર 722 મત અને કૉંગ્રેસના ફતેસિંગ વસાવાને 15 હજાર 219 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...