વિરોધ:ધારાસભ્યોને પોલીસે અટકાવતા રોડ પર બેસી જઇ ચક્કાજામ: 2 કલાક હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ડીટેઇન કર્યાં

રાજપીપલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપલામાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત આગેવાનોની પોલીસે અટકાવતા તેઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. - Divya Bhaskar
રાજપીપલામાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત આગેવાનોની પોલીસે અટકાવતા તેઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો.
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 6 ગામોના ફેન્સિંગનો મુદ્દો ગરમાયો
  • કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યોનું પ્રતિનિધી મંડળ સહિત આગેવાનોએ સ્થાનિકોને મળી આંદોલનની ચીમકી ઉચ્ચારી : રાજ્ય અને દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાની જરૂર પડતાં સરકારે કેવડિયાના 6 ગામને ફેન્સિંગ હાથ ધર્યું છે. આદિવાસીઓના મુદ્દે ગુજરાત અને દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસના 8 આદિવાસી ધારાસભ્યોના પ્રતિનિધી મંડળે શનિવારે જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધા બાદ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના લોકોને મળી સમસ્યા જાણી હતી. રાજપીપલાથી પરત ફરતાં ધારાસભ્યો સહિત આગેવાનો કેવડિયા ન જાય માટે પોલીસે અટકાવતા તેમણે રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો.

કોંગી ધારાસભ્યો રાજપીપલા આવ્યા

2 કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યા બાદ પોલીસે તમામની અટકાયત કરી હતી. કોંગી ધારાસભ્યો નાંદોદના પી.ડી.વસાવા. નિઝરના સુનિલ ગામીત, વ્યારાના પુનાજી ગામીત, વાંસદાના અનંત પટેલ, ભિલોડાના ડો.અનિલ જોષીયારા, માંડવીના આનંદ ચૌધરી, ગરબાડાના ચંદ્રિકા બારીયા, પાવીજેતપુરના સુખરામ રાઠવા, પૂર્વ સાંસદ  અમરસિંહ ચૌધરી સહિતના આગેવાનો રાજપીપલા આવ્યા હતાં. તેમણે કલેકટરને CM રૂપાણી અને રાજયપાલને સંબોધતુ આવેદન આપ્યું હતું.

વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આદિવાસીઓ માટે સીએમ રૂપાણીને પત્રમાં લખ્યું છે કે હકારાત્મક નિર્ણય નહિ કરાય તો રાજ્યના તમામ આદિવાસી સંગઠનો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે, જે નુકશાની થશે એની જવાબદારી સરકારની રહેશે. સાંસદ અહેમદ પટેલે પણ આ મુદ્દે ટ્વીટ કર્યું છે. 

કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રાજનીતિ બંધ કરે : ગૃહમંત્રી 

કોંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધી મંડળની મુલાકાતને લઇ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા કેવડિયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે તેવી સલાહ આપી છે. જાડેજાએ યાદીમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના ચૂકાદા મુજબ આદિવાસીઓને સહાયરૂપ થવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તૈયાર કરાયેલ પેકેજ સત્વરે પૂરૂ પાડવા નિગમ તત્પર છે. આદિવાસીઓને નુકસાન ન જાય તે માટે મુખ્યમંત્રી દ્ધારા સતત મોનીટરિંગ થઇ રહ્યું છે. આદિવાસીઓને સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડવાનો આશય છે. ડેમ અસરગ્રસ્તોને તંત્ર હેરાન કરી અત્યાચાર ગુજારતું હોવાના આક્ષેપ પાયાવિહોણા છે. 

  • ધારાસભ્યોની સાથે પોલીસે ખરાબ વ્યવહાર કર્યો છે, અમે વિધાનસભામાં જવાબ માંગીશુ. - પી.ડી.વસાવા, ધારાસભ્ય, નાંદોદ
  • જમીન ઉદ્યોગપતિઓને આપવાનો સરકારનો આ કારસો છે. જો સરકાર સાચી હોય તો પુરાવા આપે.કોંગ્રેસ આંદોલન કરશે. -ડો.અનિલ જોષીયારા, ધારાસભ્ય, ભિલોડા
  • કોંગ્રેસે વળતર ચૂકવ્યું નહીં અને હવે રાજકારણ કરે છે. અમે મામલો જલ્દી હલ કરી દઈશું. - મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ
અન્ય સમાચારો પણ છે...