તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:શહેરમાં જો વેપાર-ધંધો કરવો હશે તો વેેક્સિનનું પ્રમાણપત્ર ફરજિયાત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં તંત્રની સતર્કતા
  • ભરૂચ-અંક્લેશ્વરમાં વાણિજ્ય વ્યવસાય સાથે સંકળાયેલાં તમામે 10 જૂલાઇ પહેલાં વેક્સિન લેવી પડશે
  • નગર પાલિકા વિસ્તારમાં અધિકારીઓની ટીમો દ્વારા દુકાનો તેમજ લારી ગલ્લા પર ચેકિંગ કરાશે

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા અને લોકો કોરોના મહામારીથી બચી શકે તે માટે તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસો વહિવટી તંત્ર કરી રહ્યુ છે. ત્યારે જિલ્લા કલેક્ટરે વાણિજ્ય પ્રવૃત્તિ એટલે કે દુકાનો, કંપનીઓ, લારી-ગલ્લા તેમજ પથારાવાળાઓ કે જેઓ સતત કોઇના સંપર્કમાં આવતાં હોય છે અને તેઓ સુપર સ્પ્રેડર બને તેવી શક્યતાઓને પગલે તેમનું સત્વરે વેક્સિનેશન કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી 10 જૂલાઇ સુધીમાં તેઓ દ્વારા વેક્સિન લેવામાં આવે તે માટે તાકીદ કરાયાં છે.

ભરૂચ જિલ્લામાં એક તરફ બીજી લહેર પુર્ણતાને આરે છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા ત્રીજી લહેરની શક્યતાઓને લઇ આગોતરા આયોજનો હાથ ધરાયાં છે. જેના ભાગરૂપે ભરૂચ અને અંક્લેશ્વર પાલિકા વિસ્તારમાં ખાસ તકેદારીના પગલાં ભરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બન્ને શહેરોમાં વાણિજ્ય વ્યવહાર સાથે સંકળાયેલાં તમામ લોકોના વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં બન્ને શહેરો અને તાલુકા વિસ્તારોમાં દુકાનો, કંપનીઓ સહિત લારી-પથારા પર વ્યાપાર કરનારા તમામ લોકો માટે આગામી 10 જૂલાઇ પહેલાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવાનું ફરિયાત કરવામાં આવ્યું છે.

આગામી 10 જૂલાઇ બાદ નગરપાલિકા તેમજ તાલુકા કક્ષાની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તો જે તે સંસ્થાના માલિક તેમજ તેમાં કામ કરતાં કર્મચારીઓ પાસે વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત હોવું જોઇશે. જો તેમની પાસે વેક્સિન લીધા અંગેનું પ્રમાણપત્ર નહીં હોય તો તેઓ તેમની સંસ્થા ચાલુ રાખી શકશે નહીં તેવી તાકીદ કરવામાં આવી છે.

જનજાગૃતિ લાવવાની પ્રાથમિકતા રખાશે
કોરોનાની રસી લેવા માટે તમામ વેપાર-ધંધા સાથે સંકળાયેલાં લોકોને પ્રથમ ચરણમાં સમજાવવાની કવાયત હાથ ધરાશે. રિક્ષા ફેરવી તેમજ વિસ્તારોમાં ટીમો મોકલી વેપાર-ધંધો કરતાં લોકો સ્વયંભુ રીતે કોરોનાની રસી લે તે માટે જનજાગૃતિ લાવવામાં આવશે.

તક મળ્યાં બાદ પણ રસી નહીં લે તો કાર્યવાહી થશે
કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાને લઇને તમામ આગોતરા આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શહેર - તાલુકાઓમાં વિવિધ વેપાર-રોજગાર કરતાં તમામ લોકોનું કોરોના વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસ છે. આગામી 10 જૂલાઇ સુધીમાં વેક્સિન લેવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ત્યારે કોઇ સંજોગોમાં વેક્સિનની અછત કે અન્ય કોઇ કારણસર વેક્સિન લઇ ન શકાય તો તેવા લોકોને એક તક આપવામાં આવશે. જો તેમ છતાંય વેક્સિન ન લે તો તેમની સામે કાર્યવાહી કરાશે.> ડો. એમ. ડી. મોડિયા, કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...