મત મેળવવા મહેનત:ઉમેદવારોએ લાખો રૂા. ખર્ચ્યા, ભરૂચની પાંચ બેઠકોના ઉમેદવારોએ અત્યાર સુધીનો ખર્ચ જાહેર કર્યો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાગરાના સુલેમાન પટેલે સૌથી વધારે 6.89 લાખ વાપર્યા

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે થનારી ચુંટણીના સંદર્ભમાં ઉમેદવારોએ અત્યાર સુધી કરેલા ખર્ચની વિગતો જાહેર કરી છે. મતદારોને રીઝવવા માટે વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે અત્યાર સુધીમાં 6.89 લાખનો ખર્ચ કર્યો છે જયારે બીજા નંબરે ભરૂચના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ 4.29 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમ આદમી પાર્ટીના ભરૂચના ઉમેદવારે ખર્ચ રજુ કર્યો ન હોવાથી તેમને તાકીદ કરવામાં આવી છે જયારે અંકલેશ્વરના કોંગ્રેસના ઉમેદવારે અધુરો ખર્ચ રજુ કર્યો છે.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા અને ઝઘડીયા માટે 5મી તારીખે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. 14મી તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. ભરૂચની પાંચ બેઠકો માટે 32 ઉમેદવારો મેદાનમાં રહયાં છે. ફોર્મ ભરાય ગયા બાદ હાલ ઉમેદવારો પ્રચારની કામગીરીમાં જોતરાય ગયાં છે. વિધાનસભાની ચુંટણી લડી રહેલાં ઉમેદવારોએ કરેલાં ખર્ચની વિગતો ચુંટણીપંચ સમક્ષ રજુ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં સૌથી વધારે ખર્ચ વાગરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે કર્યો છે. તેમણે અત્યાર સુધીમાં 6.89 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જયારે 4.29 લાખ રૂપિયાના ખર્ચ સાથે ભરૂચના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી બીજા નંબરે છે. સૌથી ઓછો ખર્ચ કરનારા ઉમેદવારોમાં વાગરામાં આપના ઉમેદવારનો સમાવેશ થાય છે. તેમણે માત્ર 10 હજારનો ખર્ચ બતાવ્યો છે.

ફુલહારથી માંડી વાહનો પાછળ રૂપિયા ખર્ચાયાં
ઉમેદવારોએ ફોર્મ ભર્યું તે દિવસથી નોટરીની ફી થી લઇ આજદિન સુધીનો ખર્ચ ચુંટણીપંચ સમક્ષ રજુ કર્યો છે. ઉમેદવારોએ મંડપ, ગાદલા, ભોજન, ચા, નાસ્તા, વાહનો, ડીજે, ફુલહાર, પ્રચાર સાહિત્ય સહિતની વસ્તુઓ પાછળ ખર્ચ કર્યો છે.

સ્ટેશનરીથી માંડી ટ્રાવેલ્સવાળાને ઘી કેળા
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ઉમેદવારોના મતદારોને રીઝવવા માટે ગામેગામનો પ્રવાસ કરી રહયાં છે ત્યારે સ્ટેશનરીથી માંડી ટ્રાવેલ્સવાળાને ઘીકેળા થઇ ગયાં છે.

ભાજપે ઉમેદવારોના ખાતામાં 25 લાખ જમા કરાવ્યાં
ભરૂચ જિલ્લામાં ચુંટણી લડી રહેલાં ભાજપના ઉમેદવારોને પાર્ટીએ 25 લાખ રૂપિયાનું ચુંટણી ફંડ આપ્યું છે. ઉમેદવારોના બેંક ખાતામાં આ રકમ ઓનલાઇન જમા કરાવી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પાર્ટીના રૂપિયાથી પ્રચાર શરૂ કરી દીધો છે. જયારે કોંગ્રેસના ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે નાણાની થેલીઓ ખુલ્લી મુકી દીધી છે. મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં પ્રચારકાર્ય વેગવંતુ બનશે.

એકાઉન્ટીંગ ટીમોની રચનાકરાઇ
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પાંચ એકાઉન્ટીંગ ટીમો બનાવવામાં આવી છે. દરેક વિધાનસભાની ટીમાં 3 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવાર અથવા તેમના અધિકૃત એજન્ટે કરેલાં ખર્ચને રજુ કરવામાં આવ્યાં બાદ એકાઉન્ટીંગ ટીમો દ્વારા તેની ખરાઇ કરવામાં આવે છે. જે ઉમેદવારો હિસાબ રજુ નથી કરતાં તેમને નોટીસ આપવામાં આવે છે. આ ટીમ સીધું ચુંટણી અધિકારીને રીપોર્ટિંગ કરે છે.

પ્રચાર બંધ થયા બાદ નાણાની થેલીઓ ખુલશે
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પહેલી તારીખે મતદાન થવાનું છે. પહેલી તારીખના 3 દિવસ પહેલાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે અને ગુપ્ત રાહે પ્રચાર શરૂ થશે. ખાટલા બેઠકો સહિત નાની નાની બેઠકોનો દોર ચાલશે તેમાં મતદારોને નાણા તેમજ અન્ય ચીજવસ્તુઓની લાલચ આપવામાં આવશે. આવા બનાવો રોકવા માટે તંત્રએ કમર કસવી પડશે તો જ ચુંટણી નિષ્પક્ષ અને તટસ્થ માહોલમાં યોજાશે. હાલ જિલ્લાભરમાં વિવિધ ટીમો દ્વારા વાહન ચેકિંગ ચાલી રહયું છે.

ભરૂચ બેઠક
રમેશ મિસ્ત્રી - ભાજપ - 4.29 લાખ
જયકાંત પટેલ - કોંગ્રેસ - 88 હજાર
મનહર પરમાર - રજુ કર્યા નથી

અંકલેશ્વર બેઠક
ઇશ્વર પટેલ - ભાજપ - 3.18 લાખ
વિજય પટેલ - કોંગ્રેસ - 10 હજાર
અંકુર પટેલ - આપ - 3.32 લાખ

વાગરા બેઠક
અરૂણસિંહ રણા - ભાજપ - 1.91 લાખ
સુલેમાન પટેલ - કોંગ્રેસ - 6.89 લાખ
જયેન્દ્ર રાજ - આપ- 10 હજાર

જંબુસર બેઠક
ડી.કે.સ્વામી - ભાજપ - 1.40 લાખ
સંજય સોલંકી - કોંગ્રેસ - 1.41 લાખ
સાજીદ રેહાન -આપ- 82 હજાર

ઝઘડીયા બેઠક
રીતેશ વસાવા- ભાજપ- 2.35 લાખ
ફતેસિંગ વસાવા - કોંગ્રેસ- 1.69 લાખ
છોટુ વસાવા- અપક્ષ - 3.81 લાખ

અન્ય સમાચારો પણ છે...