તંત્ર બેધ્યાન:રસ્તાઓ મુદ્દે તંત્ર ગાંધારીની ભૂમિકામાં ભરૂચ જિલ્લાના દેત્રાલના લોકોનો આંખે પાટા બાંધી વિરોધ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ધ્યાનીની માતા ઇજાગ્રસ્ત હોવા છતાં વ્હીલચેર પર આવી વિરોધમાં જોડાઇ હતી. - Divya Bhaskar
મૃતક ધ્યાનીની માતા ઇજાગ્રસ્ત હોવા છતાં વ્હીલચેર પર આવી વિરોધમાં જોડાઇ હતી.
  • ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે બે બાળકીઓ સહિત ચાર વ્યક્તિઓના મોત બાદ જન આક્રોશ
  • 6 વર્ષની ધ્યાનીનું મોત બાદ પણ તંત્ર બેધ્યાન

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે રહેતાં ધર્મેન્દ્ર પટેલની એકની એક દીકરી ધ્યાનીનું ત્રણ દિવસ પહેલાં મઢુલી ચોકડી પાસે લકઝરી બસની ટકકરે મોત થયું હતું. મૃતક ધ્યાની તેના દાદા અને મમ્મી સાથે બાઇક પર શાળાએ જવા માટે નીકળી હતી. મઢુલી ચોકડી પાસે ખરાબ રસ્તાના કારણે દાદાએ બાઇક ધીમી પાડી હતી દરમિયાન પાછળથી આવતી મોરલીધર ટ્રાવેલ્સની લકઝરીએ બાઇકને ટકકર મારી હતી. જેમાં બસના પૈંડા ફરી વળતાં ધ્યાનીનું ઘટના સ્થળે મોત થયું હતું.

મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતના બનાવો વધ્યા
​​​​​​​
ચોમાસાના પ્રારંભે જ શહેર તથા જિલ્લાના મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં છે. મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતના બનાવો વધી ગયાં છે. ખાડાઓ પુરવામાં તંત્રની આળસ અને બેદરકારી સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. મૃતક ધ્યાનીના પરિવારને ન્યાય અપાવવા માટે સોમવારે દ઼ેત્રાલ ગામના લોકો ભરૂચ કલેકટર કચેરી ખાતે આવ્યાં હતાં. તેમણે આંખો પર કાળી પટ્ટી બાંધી રોષ ઠાલવ્યો હતો. જો 15 દિવસમાં રસ્તાઓની મરામત કરવામાં નહિ આવે તો જલદ આંદોલનની ચીમકી આપવામાં આવી છે. દેત્રાલના સરપંચ નૌફલ પટેલે જણાવ્યું હતું કે, પરિવારને ન્યાય નહી મળે ત્યાં સુધી ગામલોકોનું આંદોલન ચાલુ રહેશે.

દીકરીના મોત માટે અધિકારીઓ જવાબદાર
દહેજ બાયપાસ રોડ પર બેફામ દોડતી લકઝરી બસે મારી એકની એક દીકરીને છીનવી લીધી છે. બીજા કોઇની દીકરી આવી રીતે મૃત્યુ ન પામે તે માટે પગલાં ભરાવા જોઇએ. મારી દીકરીના મોત માટે કોન્ટ્રાકટરો અને અધિકારીઓ જવાબદાર છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ અને અમને ન્યાય મળવો જોઇએ. સ્થાનિક લોક અધિકાર મંચના નેજા હેઠળ આવેદન પત્ર આપ્યું છે. આગામી દિવસોમાં જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની અમારી તૈયારીઓ છે. - ધર્મેન્દ્ર પટેલ, મૃતકના પિતા

રાજયમાં 3 વર્ષમાં 234 લોકોએ જીવ ગુમાવ્યાં
દેત્રાલના રહીશોએ જણાવ્યું હતું કે, રાજયમાં દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ખરાબ થઇ જાય છે. છેલ્લા 3 વર્ષમાં રાજયમાં 558 અકસ્માતોમાં 234 લોકો જીવ ગુમાવી ચુકયાં છે અને 548 જેટલા લોકો ઘાયલ થયાં છે. ચાર દિવસ પહેલાં જ નેત્રંગના કુપ ગામ પાસે ખાડામાં પટકાયા બાદ કાર ખાડીમાં ખાબકી હતી જેમાં દંપત્તિ અને પુત્રીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...