• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Blasting Racket Under The Guise Of Job Consultancy In Ankleshwar, Making The Standard Marksheet Required For 25 Thousand Rupees.

બોગસ માર્કશીટ કૌભાંડ:અંકલેશ્વરમાં જોબ કન્સલટન્સીની આડમાં ધમધમતા રેકેટનો પર્દાફાશ, જે ધોરણની માર્કશીટ જોઈએ તે 25 હજાર રૂપિયામાં બનાવી આપતા

ભરૂચ5 મહિનો પહેલા
  • આરોપીઓ બોગસ માર્કશીટની સાથે બોગસ ચલણી નોટ પણ છાપતા હતા
  • પોલીસે ઘટનાસ્થળ પરથી બે આરોપીઓની અટકાયત કરી
  • ઓફિસમાંથી ઓરીજીનલ અને બોગસ માર્કશીટ મળી આવી

ભરૂચના અંકલેશ્વરમાં જોબ કન્સલટન્સીની આડમાં ધમધમતા બોગસ માર્કશીટ અને ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓ રૂપિયા 25 હજાર લઈ બોર્ડ, યુનિવર્સિટી અને ITIની બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. SOGએ ઘટનાસ્થળ પરથી 215 માર્કશીટ સાથે ઓરીજીનલ માર્કશીટ અને ડુપ્લીકેટ ચલણી નોટ પણ કબજે કરી છે.

જોબ કન્સલટન્સીની આડમાં ચાલતું હતું કૌભાંડ
અંકલેશ્વરના ઓમકાર-2 કોમ્પલેક્સમાં આરતી કન્સલટન્સીની આડમાં આ કૌભાંડ ચાલતુ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સચીન પ્રેમાભાઈ ખારવા અને રાહુલ નરેન્દ્ર પરમાર નામના શખ્સોની અટકાયત કરી છે.

પોલીસે બોગસ અને ઓરીજીનલ માર્કશીટનો જથ્થો મળી આવ્યો
ભરૂચ SOGને બંને આરોપીઓના કબજામાંથી ધોરણ 10, 12 કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.પોલીસે 239 ડુપ્લીકેટ માર્કશીટ અને સાથે 126 ઓરીજીનલ માર્કશીટ પણ કબજે કરી છે.

આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ
ધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 215 નકલી માર્કશીટ
ધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 126 ઓરીજીનલ માર્કશીટ
માર્કશીટ પર લગાવવાના હોલસ્ટીકર નંગ 19,796
ભારતીય બનાવટની ચલણી નોટ 50ના દરની 4
ભારતીય બનાવટની ચલણી નોટ 100ના દરની 24 નોટ
A4 સાઈઝ પેપર પર પ્રિન્ટ કરેલ બનાવટી ચલણી નોટોના પેજ નંગ 20
કલર પ્રિન્ટર તથા કોમ્પ્યુટર સિસ્ટમ
મોબાઈલ ફોન- 2

બોગસ માર્કશીટ આપવા બદલ 25 હજાર રૂપિયા વસૂલતા
પ્રાથમિક તપાસમાં હાલ તો રાહુલ અને સચિન સાથે મળી આ રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. રાહુલ પરમાર સચિનને નાપાસ વિદ્યાર્થીઓ શોધી લાવતો હતો જે બદલે તેને 5 હજાર રૂપિયા મળતા હતા.

કઈ રીતે બનાવતા હતા બોગસ માર્કશીટ?
આરોપીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપરથી ધોરણ 10-12, કોલેજ તથા ITIની માર્કશીટ અને લોગોના નમૂનાઓ મેળવી લીધા હતા. તેમાં જે વિષયોમાં વિદ્યાર્થી નાપાસ હોય તે વિષયના માર્કસમાં સુધારો કરી પાસ થયાના સર્ટીફિકેટ્સ બનાવી આપતા હતા.

બોગસ માર્કશીટ સાથે ડુપ્લીકેટ ચલણી નોટ છાપતા
આરોપીઓ બોગસ માર્કશીટની સાથે ડુપ્લીકેટ ચલણી નોટ પણ છાપતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 50ના દરની 4 અને 100ના દરની 24 ડુપ્લીકેટ નોટ કબજે કરી છે.

બોગસ માર્કશીટ અંગે તપાસ કરવામાં આવશે- ડીવાયએસપી
બોગસ માર્કશીટ અને ચલણી નોટ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે કહ્યું હતું કે, જે વ્યકિતના બોગસ સર્ટીફિકેટ મળી આવ્યા છે તેની તપાસ કરાશે. જો બોગસ સર્ટીફિકેટના આધારે કોઈએ નોકરી મેળવી હશે તો તે અંગે કાર્યવાહી હાથ ધરાશે.

ઓરિજનલને ફીકી પાડે તેવી ક્વોલિટીથી કામ કરતા
અમારી ટીમને આરતી કન્સલ્ટન્સીમાં ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળતાં ત્યાં રેડ પાડી 215 ડુપ્લિકેટ અને 126 ઓરિજનલ માર્કશીટ સહિત કારસામાં વપરાયેલાં અન્ય સાધનો જપ્ત કર્યાં હતાં. માર્કશીટોની ચકાસણી કરતાં ડુપ્લિકેેટ માર્કશીટની ક્વોલિટી એટલી સરસ રીતે મેઇન્ટેઇન કરાઇ હતી કે, ઓરિજનલ માર્કશીટ તેની સામે ડુપ્લિકેટ લાગતી હતી.> કે. ડી. મંડોરા, પીઆઇ, એસઓજી. તપાસ અધિકારી.

બોગસ માર્કશીટથી કોણે નોકરી મેળવી તેની તપાસ થશે
અંકલેશ્વરમાં કન્સલ્ટન્સીના ઓથા હેઠળ જોબ પ્લેસમેન્ટના નામે ઝડપાયેલા બંને આરોપીઓ બોગસ માર્કશીટનું રેકેટ ચલાવી રહ્યા હતા. જેમાં રાહુલ પરમાર પોતાના ઘરે જ આ બોગસ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતો હતો. આ બંને ભેજાબાજોએ કોને કોને માર્કશીટ આપી છે. અને ઝડપાયેલી માર્કશીટ વાળા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ડુપ્લીકેટ માર્કશીટના આધારે તેમણે કોને કોને નોકરી અપાવી છે તેની પણ તપાસ કરવામાં આવશે તેમજ ડુપ્લીકેટ ચલણી નોટ કેટલી છાપી હતી અને ક્યાં વાપરી હતી તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.> ચિરાગ દેસાઈ, ડી.વાય.એસ.પી., અંકલેશ્વર.

ડીઇઓ કચેરીથી સ્પેશિયલ ટીમ બોલાવી માર્કશીટ ચકાસી
ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે આરતી કન્સલ્ટન્સી અને બાદમાં આરોપીઓના ઘરમાંથી 215 ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી હતી. જેની ચકાસણી કરવા માટે એસઓજીએ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મદદ માંગતાં ડીઇઓની એક ટીમે તુરંત સ્થળ પર પહોંચી આરોપી પાસેથી મળી આવેલા માર્કશીટોની ચકાસણી કરી તે સાચી છે કે ડુપ્લિકેટ તેની ખરાઇ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...