અંધારપટ:ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદથી શહેરમાં વીજળી ડૂલ થતાં અંધારપટ

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 કિમીથી વધુની ઝડપે ફૂંકાયેલાં પવનથી ઠંડક પ્રસરતાં કાળઝાળ ગરમીથી રાહત

ભરૂચમાં બીજા દિવસે પણ સાંજના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રવિવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસતાં શહેરમાં વીજળી ડુલ થઇ હતી. 25 કીમીથી વધુની ઝડપે ફુંકાયેલા પવનોના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.

ગણેશ વિસર્જનના આગળના દિવસથી ભરૂચ શહેર તથા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શનિવાર બાદ રવિવારની સાંજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. વાવાઝોડા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પવનની ગતિ 25 કીમી પ્રતિ કલાકની આસપાસ રહી હતી. ભરૂચમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહયું હતું. સાંજ પડતાની સાથે આકાશમાં વીજળીના કડાકા ભડાકા શરૂ થઇ ગયાં હતાં. વીજળીના ચમકારા અને 25 કીમીથી વધુની ઝડપે ફુંકાયેલા પવનના કારણે વાતાવરણ ભયાવહ બન્યું હતું.

વરસાદના કારણે ભરૂચના સબસ્ટેશનમાં ફોલ્ટ થતાં શહેરમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. દરિયાકાંઠા વિસ્તારોમાં પણ પવન ફુંકાતો હોવાનો જામડી ગામના આગેવાનોએ જણાવ્યું હતું. વાવાઝોડાના કારણે માછીમારો પણ હાલ પુરતુ કિનારા પર રહેવાનું પસંદ કરી રહયાં છે. ભરૂચ શહેરમાં સમી સાંજે આકાશમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ ઉતરી આવી હતી. વાવાઝોડાના કારણે લોકોમાં દોડધામ મચી હતી. જોકે થોડી મિનીટો બાદ પવનનું જોર ઘટતા લોકોએ હાશકારો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...