વાગરા વિધાનસભા બેઠકના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર માટે આવેલ દેશના સૌથી યુવાન સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વાગરાના ચીમનચોક ખાતે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા.
યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે, આપણે દિવસ રાત મહેનત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા વોકિંગ કરવા નીકળ્યા છે તેમ કહી તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જાણે છે કે ગુજરાત અને હિમાચલમાં ગમે તેટલું કરીશું પણ કશું મળવાનું નથી એટલે થોડું વજન ઓછું કરવા વોકિંગ કરે છે. તેમણે આપ ઉપર પણ આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં એક રાજકીય પાર્ટી ઘૂસવાના પ્રયાસ કરે છે. તેનું નામ છે જેજેપી, એટલે કે જમાનત જપ્ત પાર્ટી. આ પાર્ટી જ્યાં જાય ત્યાં ચૂંટણીમાં તેની જમાનત જપ્ત થાય છે.
તેજસ્વી સૂર્યાએ વિકાસના ગુજરાત મોડેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે જે દેશ, રાજ્ય, પ્રદેશ કે જિલ્લામાં રાજકીય સ્થિરતા હોય ત્યાં વિકાસ થાય છે. જ્યાં રાજકીય સ્થિરતા ન હોય ત્યાં વિકાસ થતો નથી. ગુજરાતે રાજકીય સ્થિરતા મેળવી છે એટલે ગુજરાતનો વિકાસ થયો છે. આજે વિશ્વ જે મોડેલ ઓફ ડેવલપમેન્ટ અથવા ભારતીય મોડેલ ઓફ ડેવલપમેન્ટથી જાણે છે તે મોદી ડેવલપમેન્ટ ખરેખર તો ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ છે. જે આપ સૌના મતના આધારે 20 થી 30 વર્ષ પહેલાં શરૂ થયું હતું તેમ કહી તેજસ્વી સૂર્યાએ સૌના મતોથી અરુણસિંહજી હેટ્રિકજી બનશે તેમ કહી વાગરા બેઠક પર અરુણસિંહ રણાને જંગી મતો થી જીતાડવા અપીલ કરી હતી.
સભામાં વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાએ પણ પોતે કરેલા કાર્યની ઝાંખી આપી આવનારા દિવસોમાં અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાની ખાતરી આપી કમળના નિશાન પર મતદાન કરવા હાકલ કરી હતી.આ અવસરે મુંબઈના સાંસદ મનોજ કોટક, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઇશાંત સોની સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.