ભાજપના ઉમેદવાર જાહેર:ભરૂચમાં ભાજપે 2007નું પુનરાવર્તન કર્યું, વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલની ટિકિટ કાપી પૂર્વ MLA રમેશ મિસ્ત્રીને પરત આપી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે BJP એ જારી કરેલી યાદીમાં ભરૂચ બેઠક ઉપર 2007 નું રિવિઝન કરી ધરાસભ્ય દુષ્યંત પટેલનું પત્તુ કાપી પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકિટ પરત અપાઈ છે. જ્યારે અંકલેશ્વરના ચાર ટર્મથી MLA અને વાગરાના 2 ટર્મથી વિધાયક એવા અરૂણસિંહ રણાને રીપીટ કરાયા છે.

BJP ની ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ફાઇનલ ટિકિટની જાહેરાતને લઈ ભૂકંપના આંચકા સમર્થકોમાં અને ડાવેદરોમાં અનુભવાયા છે. વર્તમાન ત્રણ ધારાસભ્યો રિપીટ કે નો રિપીટની ચાલતી અટકળો વચ્ચે બે MLA ને ભાજપે રિપીટ કર્યા છે. જ્યારે ભરૂચના ત્રણ ટર્મથી ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલની ટિકિટ કાપી છે.વર્ષ 2007 માં ભાજપે ભરૂચના વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ટિકિટ કાપી દુષ્યંત પટેલને ટિકિટ આપી હતી. જેનાથી નારાજ થઈ રમેશ મિસ્ત્રીએ બળવો પણ કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી. જોકે બાદમાં તેઓએ ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવારના પ્રચાર પ્રસરમાં જોડાઈ ગયા હતા. હવે વર્ષ 2007 નું ભાજપે ભરૂચ બેઠક ઉપર ફરી પુનરાવર્તન કર્યું છે. પર્વતમાન ધારાસભ્યની ટિકિટ કાપી પૂર્વ MLA રમેશ મિસ્ત્રીને 3 ટર્મ બાદ પરત કરી છે. હાલ રમેશ મિસ્ત્રી ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશ કક્ષાએ જવાબદારી સંભાળી રહ્યા છે. અંકલેશ્વરમાં ઈશ્વર પટેલને 5 મી વખત ટિકિટ અપાઈ છે. વાગરા બેઠક ઉપર પણ ત્રીજી વખત અરૂણસિંહ રણાને રિપીટ કરી દેવાયા છે.જંબુસર બેઠક ઉપર કાર્યકર અને નાહીયેર ગુરુકુળના સંત દેવ કિશોર ડી.કે. સ્વામીને ઉમેદવાર જાહેર કરાયા છે. તેઓ ગત ટર્મથી જંબુસર બેઠક માટે ભાજપની ટિકિટ મેળવવાની કતારમાં હતા. તો આદિવાસી ઝઘડિયા બેઠક માટે ભાજપે ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવાને ટિકિટ ફાળવી છે.

આમોદમાં 150 થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ વચ્ચે જંબુસરમાં પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સામે લોકોમાં ભારે નારાજગી હતી. તેમને અને તેમના પુત્ર બન્નેએ ટિકિટ માંગી હતી. જોકે 2017થી ટિકિટ માટે પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડી.કે.સ્વામીને આ વખતે ટિકિટ મળી ગઈ છે. તેઓ આમોદના નાહીયેર ગુરુકુળના સંત સાથે ભરૂચમાં સ્વામી નારાયણ ગુડવીલ સ્કૂલના સંચાલક છે. સાથે જ પંડિત દીનદયાલ ભોજનલયના સંચાલક પણ છે. અને યોગી આદિત્યનાથના પણ નજદીકી છે.વાગરા બેઠક ઉપર દરબારો અને લઘુમતીઓના વધુ મતો વચ્ચે વર્ચસ્વ વાળી આ બેઠક પર ખમતીધર ગણાતા અને અમિત શાહના પણ નજીકના મનાતા અરૂણસિંહ રણાને રિપીટ કરી દેવાયા છે.

ભરૂચ જિલ્લાના 5 વિધાનસભાના ભાજપાના મુરતિયાઓ વિશે જાણો

ડી કે સ્વામી - જંબુસર વિધાનસભા મત વિસ્તાર
ચૂંટણીની જાહેરાત બાદ ઉમેદવારોના પરિવર્તન અને પુનરાવર્તન માટે જોર લગાવાઈ રહ્યું હતું. ભાજપામાંથી છત્રસિંહ વધુ એક તક માંગી હતી તો કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર કિરણ મકવાણા અને યુવા કાર્યકર બળવંત પઢીયાર પણ તક માંગી રહ્યા હતા. રાજકીય ખેંચતાણ વચ્ચે ગત ટર્મમાં સંઘ તરફથી મજબૂત ટેકો હોવા છતાં રાજકીય આટાપાટાના કારણે ટિકિટ ન મેળવનાર સ્વામિનારાયણના સંત ડી કે સ્વામીને વિધાનસભા ચૂંટણી 2022 માટે તક મળી છે. ડી કે સ્વામી સ્વનિરાયણ પંથના સંત છે જેઓ સ્થાનિક હિન્દૂ મતદારો ઉપર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.

અરૂણસિંહ રણા - વાગરા વિધાનસભા મત વિસ્તાર
અરૂણસિંહ રન છેલ્લી બે ટર્મથી બેઠક ઉપર જીત મમેળવી રહ્યા હતા. વાગરા મત વિસ્તાર કોંગ્રેસની કમિટેડ સીટ માનવામાં આવતી હતી જોકે વર્ષ 2012 ની ચૂંટણીમાં ભાજપાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપાનો હાથ પકડનાર અરૂણસિંહને ટિકિટ આપી હતી જેમાં અરુણસિંહે તેમનાજ રાજકીય ગુરુ અને કોંગ્રેસના અગ્રણી ઇકબાલ પટેલને પરાજિત કરી ભાજપાને બેઠક અપાવી હતી. આ બાદ 2017 ચૂંટણીમાં પણ પરિણામનું પુનરાવર્તન થયું હતું. અરૂણસિંહની વિસ્તારમાં મજબૂત પકડ અને આક્રમક નેતા તરીકેની છાપને ધ્યાને લઈ તેમને હેટ્રિક લગાવવા તક આપવામાં આવી છે.

રમેશ મિસ્ત્રી - ભરૂચ વિધાનસભા મત વિસ્તાર
ભરૂચ વિધાનસભા બેઠક માટે સતત ત્રણ ટર્મના ધારાસભ્ય દુષ્યંત પટેલ કપાયા છે. માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફરી ભજપાએ તક આપી છે. રમેશ મિસ્ત્રી અગાઉ એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદમાં મહત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા રમેશ મિસ્ત્રી હિન્દુવાદી નેતાની છાપ ધરાવે છે. ભરૂચ એક કોમી સંવેદનશીલ નગર છે જ્યાં ધર્મ અને જ્ઞાતિના ફેક્ટર મહત્વ ધરાવતા હોય છે. અગાઉ રાજ્યની મોદી સરકાર સામે નારાજ ધારાસભ્યોના જૂથમાં રમેશ મિસ્ત્રી સક્રિય હોવાના અહેવાલો બાદ તેમને બીજી ટર્મ માટે ટિકિટ અપાઈ ન હતી અને દુષ્યંત પટેલને ઉમેદવારી કરાવવામાં આવી હતી. ફરીએકવાર સંજોગો બદલાતા દુષ્યંત પટેલની ટિકિટ કાપી રમેશ મિસ્ત્રીને તક આપવામાં આવી છે.

ઈશ્વર પટેલ - અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર
માજી મંત્રી ઈશ્વર પટેલને ભાજપા દ્વારા અંકલરશ્વર બેઠક ઉપર સતત પાંચમી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વર પટેલ રાજ્ય સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે. ભુપેન્દ્ર મોદી સરકારમાં સિનિયર મંત્રીઓ સાથે ઈશ્વરભાઈ પાસેથી પણ મંત્રી પદ પરત લેવાયું હતું. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક ઉપર કોળી ઉમેદવાર રિપીટ કરાયા છે. ઈશ્વર પટેલ પાંડવાઈ સુગરના ચેરમેન પણ છે.

રિતેશ વસાવા- ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર
ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ રિતેશ વસાવાને ભજપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. 3 દાયકા ઉપરાંતથી ઝગડીયાબેઠક ઉપર ભાજપાએ જીત મેળવી નથી. રિતેશ યુવાન મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે ત્યારે જીત માટે રિતેશ ઉપર પસંદગી ઉતારાઈ છે.

2017માં પાંચ બેઠકોનું પરિણામ

  • વાગરા - માત્ર 2628 મતોથી અરૂણસિંહ રણાની જીત
  • જંબુસર - 6446 મતોથી ભાજપના ઉમેદવાર છત્રસિંહ મોરીની હાર
  • ભરૂચ - 33099 મતોથી ભાજપના દુષ્યંત પટેલ વિજેતા
  • અંકલેશ્વર - 46912 મતોથી જીતતા ઇશ્વરસિંહ પટેલ ફરી ધારાસભ્ય અને મંત્રી પદ
  • ઝઘડિયા - છોટુ વસાવા સામે ભાજપના રવજી વસાવાની 48948 મતે કારમી હાર
અન્ય સમાચારો પણ છે...