ઉમેદવારી પત્ર:ભરૂચની વાગરા, અંકલેશ્વર અને જંબુસર બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.

આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે ત્યારે આજરોજ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતા. અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે ભરતસિંહ પરમાર, ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી સહિતના ભાજપાના આગેવાનો જોડાયા હતા.

તો અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઢોલ નગારા સાથે તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.જ્યારે જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામી એ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સંત સમુદાય તેમજ સમર્થકોની હાજરીમાં તેઓએ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...