ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ આજે ભવ્ય રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. શક્તિનાથ સ્થિત મધ્યસ્થ કાર્યાલયથી તેમના નામાંકનને વધાવી લેવા ભાજપના કાર્યકરો, આગેવાનો, સંગઠનના હોદેદારો, જનપ્રતિનિધિઓ સાથે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભવ્ય આવકાર, ડી.જે. અને ફટાકડા ફોડી જનસેલાબ વચ્ચે રમેશ મિસ્ત્રીએ ભરૂચ પ્રાંત અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ભરૂચ વિધાનસભાની પ્રજાને આગામી પાંચ વર્ષ સુધી કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવી રમેશ મિસ્ત્રીએ ખાત્રી આપી હતી. ધારાસભ્યનું મધ્યસ્થ કાર્યાલય પાંચ વર્ષ સુધી શહેરની મધ્યમાં ધમધમતું રહેશે.
વિકાસયાત્રાને આગળ લઈ જવાની ખાત્રી
ભૂતકાળમાં ન થયેલા ઐતિહાસિક કામો ભરૂચમાં 15 વર્ષમાં ધારાસભ્ય દુષ્યંત પટેલના નેતૃત્વમાં થયા છે. આગામી પાંચ વર્ષમાં આ વિકાસયાત્રાને આગળ લઈ જવાની તેઓએ ખાત્રી આપી હતી. વાગરાના ઉમેદવાર અરૂણસિંહ રણાએ પણ ભરૂચ બેઠક ઉપર કોઈ કચાશ નહી રહે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ મનસુખ વસાવા એ આપણે ચાર બેઠક જીતી જ ગયા છે બસ ઝઘડિયા બેઠક માટે જ વધુ મહેનત કરવાની વાત કરી હતી.
મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા
ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રીના નામાંકન ભરવામાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.