રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે હવે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. વાગરા વિધાનસભા બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. જેને ગામે ગામ પ્રચંડ આવકાર મળી રહ્યો છે.
લોકોએ ભવ્ય સ્વાગત કર્યું
ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાને ભાડભૂત, હિંગલોટ અને કુકરવાડામાં પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત કર્યા બાદ બીજા દિવસે વિલાયત ગામે પહોંચતા લોકોએ ભવ્ય સ્વાગત કરી સમર્થન આપ્યું હતું.
જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
વાગરા વિધાનસભા બેઠક પર ભાજપાએ સહકારી ક્ષેત્રના મજબૂત આગેવાન અરુણસિંહ રણાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાએ શનિવારના રોજથી ભાડભૂત સ્થિત ભારેશ્વર મહાદેવના દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કાસવા, હિંગલોટ, ભાડભૂત, કુકરવાડા, વિલાયત અને ગંધાર ખાતે તાલુકા પંચાયત બેઠક મુજબ જાહેરસભાઓ યોજાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમને પ્રચંડ આવકાર આપી, હારતોરા કરી જન સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાને જન્મથી લઈ મૃત્યુ સુધીની યોજનાઓ બનાવીઃ અરૂણસિંહ રણા
ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાએ લોકો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનહિતને ધ્યાનમાં રાખી જન્મથી લઈ મૃત્યુ સુધીની યોજનાઓ બનાવી છે. આ યોજનાઓને પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. જરૂરિયાત મંદોને આવાસના લાભ અપાવ્યાં છે. રસ્તા અને પાણીની સુવિધાઓ આપી છે. તેમ કહી તેમણે જે કઈ બાકી છે તે કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.