અકસ્માત:આમોદમાં વાહનની અડફેટે બાઇકચાલકનું મોત, 1ને ઇજા

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોંધ ગામના પાટિયા પાસે બનેલી અકસ્માતની ઘટના

આમોદના રોંધ ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલી એક બાઇકને ટક્કર મારી કોઇ અજાણ્યો વાહન ચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતમાં એક શખ્સનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આમોદના ધમરાડ ગામે રહેતાં પ્રવિણ ખુમાનસિંહ રાઉલજી તેમના ઘરે હતાં. તે વેળાં તેમને ફોન પર જાણ થઇ હતી કે, તેમના ગામના સુરજિતસિંહ કિશોરસિંહ છાસઠિયા તેમજ દોરા ગામના ભાવેશ પટેલની બાઇકને અકસ્માત સર્જાયો છે. જેના પગલે તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. જ્યાં તેમને જાણ થઇ હતી કે, તેમના ગામના સુરજિતસિંહ છાસઠિયા તેમજ ભાવેશ પટેલ બાઇક લઇને જઇ રહ્યાં હતાં તે વેળાં કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી ત્યાંથી નાસી છુટ્યો હતો.

અકસ્માતને પગલે બન્ને ત્યાં જમીન પર ફંગોળાઇ ગયાં હતાં. બન્નેને સારવાર માટે ખસેડવા તુરંત 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમે આવી તપાસતાં સુરજિતસિંહ છાસઠિયાનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ભાવેશ અંબાલાલ પટેલને તાત્કાલિક આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...