વાગરા તાલુકાના અટાલી ગામના મિત્રો બાઇક પર પાવાગઢ દર્શન માટેે ગયાં હતાં. જ્યાંથી પરત આવતી વેળાં બે મિત્રોની બાઇક વાગરાના પખાજણથી નાંદરખા જવાના કેનાલવાળા રોડ પર સ્લીપ થઇ જતાં એકનું ગંભીર ઇજાઓને કારણે મોત નપજ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકામા઼ં આવેલાં અટાલી ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં પ્રવિણ રામસંગ રાઠોડનો પુત્ર દશરથ તેના મિત્રો સાથે બાઇક પર પાવાગઢ દેવદર્શને ગયો હતો. દશરથે તેની બાઇક પર તેના ફળિયામાં જ રહેતાં તેના મિત્ર સુરેશ ઉર્ફે નકો રણજીત રાઠોડને બેસાડીને જ્યારે અન્ય મિત્ર વિજય રણજીત રાઠોડ, લક્ષ્મણ ધુળા રાઠોડ તથાં ચેતન કાલીદાસ રાઠોડ અલગ બાઇક પર ગયાં હતાં.
દેવદર્શન કર્યાં બાદ તેઓ રાત્રીના સમયે તેઓ પરત ઘરે આવી રહ્યાં હતાં. તે વેળાં દશરથ અને સુરેશની બાઇક પખાજણથી નાંદરખા જવાના કેનાલવાળા રોડ પર સ્લીપ થઇ જતાં બન્ને જમીન પર પટકાયાં હતાં. જેમાં સુરેશને માથામાં વાગતાં તે બેભાન થઇ ગયો હતો.
જેના પગલે દશરથે તેને યેનકેન પ્રકારે અખોડ ગામે લઇ જઇ તેના પરિવારને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યાં હતાં. ઇજાગ્રસ્ત સુરેશના પરિવારજનો પહેલા તેને પોતાના ઘરે લઇ ગયા બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.