• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Big Success In Mega Vaccination Camps At 100 Places In Jambusar Taluka, 10 Thousand 752 People Were Vaccinated Till Last Evening

વરસાદમાં પણ વેક્સિન લેવા કતારો લાગી:જંબુસર તાલુકામાં 100 સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પમાં મળી મોટી સફળતા, ગઈકાલે સાંજ સુધીમાં 10 હજાર 752 લોકોએ રસી મુકાવી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના 17 સ્થળોમાં 1730 અને તાલુકાના 83 સ્થળોમાં 9022 જેટલાં વ્યક્તિઓનું રસીકરણ થયું
  • કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી વચ્ચે પણ લોકોની કતારો જોવા મળી
  • છત્રી, સ્વેટર, રેઇનકોટ પહેરી ઉમટેલા લોકોના ઉત્સાહની જિલ્લા કલેક્ટરે પણ સરાહના કરી
  • જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝમાં અત્યાર સુધીમાં 21.84 લાખ વ્યક્તિઓનું રસીકરણ થયું

જંબુસર તાલુકામાં કોરોના વેક્સિનની 100 કેન્દ્રો ઉપર હાથ ધરાયેલી મેગા ડ્રાઇવમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી વચ્ચે પણ લોકોની કતારો જોવા મળી હતી. કોરોના સામે વેક્સિનનું છત્ર મેળવવા લોકો છત્રી લઈ ઉમટી પડ્યા હતા. જેને પગલે ગઈકાલે ગુરૂવારે સાંજે 4 વાગ્યા સુધીમાં જ 10 હજાર 752 લોકોએ રસી મુકાવી હતી.

ભરૂચ જિલ્લામાં કોવિડ-19થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન સુચારૂં રીતે ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ મહાઅભિયાન ભરૂચ જિલ્લાના વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં હાથ ધરાયું હતું. આ અભિયાનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરૂવારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાના 17 અને તાલુકાના 83 સ્થળો મળી કુલ 100 જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન હાથ ધરાયું હતું.

કમોસમી વરસાદ વચ્ચે પણ કાતિલ ઠંડીમાં લોકોની વેક્સિન લેવા કતારો લાગી હતી. છત્રી, સ્વેટર, રેઇનકોટ પહેરી ઉમટેલા લોકોના ઉત્સાહની જિલ્લા કલેક્ટર તુષાર સુમારે પણ સરાહના કરી હતી. ગઈકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં જંબુસર નગરપાલિકાના 17 સ્થળોમાં કુલ 1730 અને તાલુકાના 83 સ્થળોમાં 9022 જેટલાં વ્યક્તિઓનું રસીકરણ થયું હતું. જંબુસર શહેર તથા તાલુકા મળી 100 જેટલાં સ્થળોએ 10 હજાર 752 લોકોનું રસીકરણ થયું હતું. જો કે હજુ પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ છે. આ મેગા વેક્સિનેસન ડ્રાઈવમાં વેક્સિન લેનારને યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સૌજન્યથી વિનામૂલ્યે એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જંબુસર તાલુકામાં યોજાયેલાં મેગા વેક્સિનેશન અભિયાનમાં પ્રાંત અધિકારી કલસરીયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓએ વિવિધ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ જિલ્લામાં કોવિડ 19 વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં 12.69 લાખ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. જેમાં ભરૂચ જિલ્લામાં વેક્સિનેશનમાં 100 ટકાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે બીજા ડોઝમાં 9.15 લાખ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આમ જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝમાં અત્યાર સુધીમાં 21.84 લાખ વ્યક્તિઓનું રસીકરણ થયું છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...