ભરૂચની SVM સ્કૂલના 6 છાત્રોએ દેશ અને રાજ્યકક્ષાની પાંચ પ્રતિયોગીતામાં ઝળકી જિલ્લાનું નામ રોશન કરવા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારનું બહુમાન મેળવી અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે.
ભરૂચ સદવિદ્યા મંડળ સ્કૂલની ધોરણ 4 માં અભ્યાસ કરતી બતુલ સંચાવાલાએ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને ડિફેન્સ દ્વારા આયોજિત વિરગાથા પ્રોજેકટમાં ભાગ લીધો હતો.કારગિલ યુદ્ધના મહાન સપૂત શહીદ કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર બતુલે ભાવવાહી કવિતા થમસી જાતી હે સાંસે લખી હતી. જેને દેશની 25 શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી એકમાત્ર બતુલ સંચાવાલાની કૃતિ પસંદ થઈ છે. વિધાર્થીને માતા-પિતા સાથે ભારત સરકારે 24 થી 26 જાન્યુઆરીના કાર્યકમમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે. જ્યાં તે 26 મી જાન્યુઆરીની પરેડ નિહાળી શકવા સાથે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તેનું સન્માન કરી રૂપિયા 10 હજારનું ઇનામ પણ આપશે.શાળાની બીજી વિધાર્થીની મૌલી વાળંદએ ઇનસ્પાયર માનક એવોર્ડ મેળવ્યો છે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના આ પ્રોજેકટમાં દેશભરમાંથી 1000 પ્રોજેક્ટમાંથી મૌલીની એડજેસ્ટેબલ બેન્ચનો પ્રોજેકટ પસંદગી પામ્યો છે. જે માટે તેને 10 હજારનું પુરસ્કાર પણ એનાયત કરાશે.ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝમાં એસ.વી.એમ. ની ધોરણ 10 ની વિધાર્થીની આરઝૂ પટેલે 5 મુ સ્થાન મેળવી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે વધાર્યું છે. જેને પણ રાજ્ય સરકાર તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરાશે.જ્યારે GKIQ ટેસ્ટમાં ધોરણ 8 ની ફ્રેયા પરમારે રાજ્યના પ્રથમ 100 વિજેતાઓમાં 73 મુ સ્થાન હાંસલ કર્યું છે. અને ઇનમને પાત્ર બની છે.ભરૂચ જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં 413 કૃતિઓમાંથી 45 પસંદગી પામી હતી. જેમાં ટેકનોલોજી અને રમકડાં વિભાગમાંથી 5 કૃતિમાંથી ટેકનોલોજી અને નાવીન્યની એસ.વી.એમ.ની કૃતિ સિલેક્ટ થઈ છે. ધોરણ 11 ના પરમ પટેલ અને વિનીત પારેખ દ્વારા વિકસાવેલ ઇલેક્ટ્રિક ડાયનેમિક કાર આગામી ઝોનલ લેવલે નવસારીમાં પ્રતિનિધિત્વ કરશે. શાળાના ડાયરેકટર દેવાંગ ઠાકોર અને સમગ્ર સ્ટાફ સહિત ટ્રસ્ટીઓએ પાંચેય છાત્રા, તેમના શિક્ષકો અને માતા-પિતાને દેશ અને રાજ્યમાં શાળાને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.