ભરૂચ શહેરને કાશી પછી દેશનું સૌથી પ્રાચીન શહેર ગણવામાં આવે છે ત્યારે ભરૂચની અમુક કળા અતિ પ્રાચીન અને વિશ્વસ્તરે ખ્યાતિ પામી ચુકી છે. ભરૂચની 200 કરતાં વધારે વર્ષ જુની સુજનીની કળા લુપ્ત થવાના આરે છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રોજેકટ રોશની અમલમાં મુકવામાં આવ્યો છે.
ભરૂચ શહેરના કારીગરો દ્વારા બનાવવામાં આવતી સુજની દેશવિદેશમાં નામના મેળવી ચૂકી છે પણ હવે સુજની બનાવતા જૂજ કારીગરો હોવાથી 200 વર્ષ જુની આ કળા હવે લુપ્ત થવાના આરે આવીને ઉભી છે. સુજની બનાવતાં પરિવારોની મુલાકાત જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ લીધી હતી. તેમણે સૌ પ્રથમ મૃત:પ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુન:ર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ “પ્રોજેકટ રોશની” હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામોની સમીક્ષા પણ કરી હતી.
વધુમાં કલેકટરે આ કામ સાથે સંકળાયેલ હયાત સુજની વણાટકામ કરતાં માલીવાડ ખાતે રહેતા રફીક સુજનીવાલા અને ફાટા તળાવ પાસે રહેતા મુઝક્કીર સુજનીવાલાની ઘરે હાથશાળની રૂબરૂ મુલાકાત લઈ આ વણાટકામની બારીકાઈ અને ખાસિયતોની જાણકારી લીધી અને સ્વયં હાથશાળ બેસી સુજની પર હાથ અજમાવી અનુભવ કર્યો હતો. સુજની એક પ્રકારની રજાઇ છે જેને એકદમ બારીકાઇથી બનાવાય છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર જિગર દવે, કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવકુમાર સંચાણીયા,રિઝવાના જમીનદાર, પીલુ જીનવાલા, અર્ચના પટેલ, પુનમ શેઠ, રીટા દવે પણ હાજર રહયાં હતાં.
સુજનીની કળાને બચાવવા શું કરાશે
યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપવામાં આવશે
કારીગરોની સમસ્યાઓ શોધી તેનો ઉકેલ લાવવામાં આવશે
સુજનીના નિર્માણથી વેચાણ સુધી કારીગરોને સહાય કરાશે
પ્રોજેકટ રોશની શું છે
પ્રાજેક્ટ રોશની અંર્તગત ભરૂચની અસ્મિતા સમાન સુજનીને પુન:ર્જીવિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ છે.જે અંતર્ગત સુજની બનવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોની માળખાકિય સુવિધા પૂરી પાડીને તેમના જીવન ધોરણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો ઉમદા આશય છે.
ભરૂચમાં સુજની બનાવતા માત્ર એક કારીગર બચ્યાંઃ અન્ય બીજે વળ્યાં
રફીકભાઇ ભરૂચમાં સુજની બનાવતાં એક માત્ર કારીગર બચ્યાં છે. જેમની પાસે સુજની બનાવવા માટેની છેલ્લી પરંપરાગત લૂમ છે જ્યાં બે લોકો લૂમની બંને બાજુએ બેસીને વૈકલ્પિક રીતે 2 અલગ-અલગ રંગની શટલ ફેંકે છે. સુજનીની માગ વધારે નહિ હોવાથી પરિવારના અન્ય સભ્યો પણ હવે અન્ય વ્યવસાય તરફ વળી ગયાં છે.
આંદામાનની જેલમાંથી સુજનીની કળા શીખવામાં આવી હતી
19મી સદીના શરૂઆતના દાયકામાં ભરૂચના વતનીએ આંદામાન જેલમાં એક સાથી આસામી ગુનેગાર પાસેથી આ હસ્તકલા શીખી હતી. અને પાછા આવ્યા બાદ તેમણે સાથી ગ્રામજનોને તે શીખવી હોવાની માન્યતા છે. એક સુજની બનાવતાં 3 દિવસનો સમય લાગતો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.