હર ઘર તિરંગા ઉત્સવ:સરકારમાંથી ભરૂચને 65 હજાર ઝંડા મળશે, અન્ય લોકભાગીદારીથી અપાશે

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળા, સસ્તા અનાજની દુકાન અને પંચાયતોમાં તિરંગો મળશે

સરકાર દ્વારા આ વર્ષે આઝાદીનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવનાર છે. હર ઘર તિરંગાની થીમ સાથે દરેક નાગરિક તેમના ઘર પર 13મી ઓગષ્ટથી 15મી ઓગષ્ટ સુધી તિરંગો લહેરાવે તે માટેના પ્રયાસ થઇ રહ્યાં. ત્યારે સરકારમાંથી ભરૂચ જિલ્લા માટે 65 હજાર રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતોને રાષ્ટ્રિય ઉત્સવને લઇને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે 24મી જૂલાઇથી 10 ઓગષ્ટ સુધીમાં યોજાનારી ગ્રામ સભાઓમાં દરેક નાગરિક પોતાના ઘર પર તિરંગો લહેરાવે તે માટેના શપથ લેવડાવાશે. ઉપરાંત જેે ગ્રામ પંચાયતોમાં નલ સે જલની કામગીરી 100 ટકા થઇ હશે તો તેનો ઠરાવ કરાવાશે.

સરકારમાંથી પુરા પાડવામાં આવનાર ધ્વજ દરેક ગ્રામ પંચાયતોમાંથી કે પછી સસ્તા અનાજની દુકાન અથવા પ્રાથમિક શાળાઓમાંથી 25 રૂપિયામાં નાગરિક ખરીદી શકશે. ધ્વજની અપુર્તિ ન થાય તે માટે ગ્રામ્યકક્ષાએ શિક્ષક, તલાટી તેમજ ગ્રામ સેવકો સહિતનાઓની એક કમિટી બનાવાશે. જે ગ્રામ પંચાયતોમાં વોર્ડ વાઇઝ ફરીને લોકોને જાગૃત કરવા સાથે જેે લોકો ધ્વજ ખરીદી કરવાના હશે તેમની નોંધણી કરાશે.

ઉપરાંત જો સંખ્યા વધશે તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો સહિતના આગેવાનોને તેમજ અન્ય લોકોની લોકભાગીદારીથી વધુમાં વધુ ધ્વજ આપી શકાય તેવા પ્રયાસ હાથ ધરાયાં છે. જિલ્લામાં બનાવેલા 75 સરોવરો (તળાવ) પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ફ્લેગકોડની તકેદારી રખાશે
સામાન્યત: લોકોમાં ફ્લેગકોડની પુરતી માહિતી હોતી નથી. જેના કારણે લોકોને તે અંગે માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત ઉત્સવની ઉજવણી બાદ ધ્વજ અપમાનજનક સ્થિતીમાં ન મુકાય તે માટે પણ લોકોને સમજણ અપાશે. ફ્લેગ વિતરણની જેમ તેના નિયમાનુસાર નિકાલ માટે પણ ગ્રામપંચાયત સહિત વિવિધ સ્થળે કલેક્શન સેન્ટર ઉભું કરવાની વિચારણા તંત્ર દ્વારા કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...