રાજ્યમાં દારૂબંધી તો છે પણ છાશવારે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે ભરૂચ SOGના હાથે સલમાન અને સોહેલ નામના બે શખ્સો 37 ગ્રામ ચરસ અને 6 બોટલો સાથે ઝડપાયા છે. પોલીસે પ્રોહીબિશન અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ બે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે 4 ચેકપોસ્ટ કાર્યરત કરી દીધી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય. આ દરમિયાન શનિવારે સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા. જેઓને ભરૂચ એસ.સો.જી. એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે અટકાવ્યા હતા.
સોહેલના ખિસ્સામાંથી 37 ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ઇકો ગાડીમાંથી બ્લેક ડોગ, વેટ 69, બ્લેક એન્ડ વ્હાઇટ, બેલેન્ટાઇન, ગ્લેની બ્લેન્ડેડ સ્કોચ અને બિયરનું એક ટીન મળી રૂપિયા 13 હજાર 480ની 6 બોટલો મળી આવી હતી.
SOGએ ચરસ, દારૂ-બિયર, 2 મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 2.18 લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.