ભરૂચ જિલ્લામાં હવે વ્યાજખોરોની ખેર નથી. પોલીસ દ્વારા વ્યાજખોરોની વધુ વ્યાજ લેવાની પ્રવૃતિ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં વગર લાયસન્સે કે લાયસન્સ ધરાવી વધુ વ્યાજખોરીની પ્રવૃતિ કરતા લોકો સામે હવે ગૃહ વિભાગ, ડીજી અને પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. નાગરિકોને વ્યાજે રૂપિયા ધિરધાર કરનાર ઈસમો ધીરાણ કરેલ રકમ સામે વધુ વ્યાજ વસુલવાનું કૃત્ય કરતા હોય છે.
આ અસામાજીક પ્રવૃતિનો મોટાભાગે સામાન્ય પ્રજા અને મજબૂર નાગરિકો ભોગ બનતા હોય છે. આ પ્રકારે વ્યાજખોરો વધુ વ્યાજથી આર્થિક ફાયદો મેળવતા અને બેફામ બની ગરીબ અને મજૂરનું શોષણ કરવામાં આવે છે. જેનાથી કંટાળી કેટલીકવાર લોકો પોતાના જીવન પણ ટૂંકાવી દેતા હોય છે.
ત્યારે આવા વ્યાજખોરોની પ્રવૃતિ અને નેટવર્કને નાબુદ કરવા તેમજ માથાભારે વ્યાજખોરોને કાયદાનો પરિચય કરાવવા સારૂ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલએ ભરૂચ જિલ્લાના નાગરિકોને સરકાર માન્ય સિક્યોરિટી પર 12 ટકા અને વગર સિક્યોરિટીએ 15 ટકાથી વધુ વ્યાજ વસુલતા તત્વો સામે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.
વ્યાજખોરીની અસામાજીક પ્રવૃતિના ભોગ બનેલા નાગરિકો પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપવા તેમજ પોલીસ અધિકારીને રૂબરૂમાં મળી આ અંગે રજૂઆત કરવા જિલ્લા ડીએસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.