બૂટલેગરો સામે કડક કાર્યવાહી:બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ ભરૂચ પોલીસ સતર્ક, 24 કલાકમાં 100 કેસ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં પોલીસે દેશીદારૂના 97, વિદેશીદારૂના 3 કેસ કર્યા

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત થયા છે. લઠ્ઠાકાંડની ઘટનાને લઇને એસપી ડો. લીના પાટીલે ગઇકાલથી જ સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાવી છે. જેમાં જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં જ દેશી-વિદેશી દારૂના કુલ 100 કેસ કર્યાં છે.

બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાને લઇને એસપી દ્વારા ગઇકાલથી પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લાં 24 કલાકમાં જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી-વિદેશી દારૂના કેસ કર્યાં હતાં. જેમાં જિલ્લામાં કુલ 97 દેશીદારૂના કેસ કરવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 78 આરોપીઓને ઝડપી પડાયાં હતાં. જ્યારે 20 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઉપરાંત બુટલેગરો પાસેથી 10 હજારનો દારૂનો જથ્થો મળી 37 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વિદેશીદારૂના 3 કેસ નોંધાયાં હતાં. જેમાં 4 આરોપીઓની ધરપકડ થઇ હતી. જ્યારે 6 જણાને વોન્ટેેડ જાહેર કરાયાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ 83 હજાર ઉપરાંતનો દારૂ મળી કુલ 17.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બૂટલેગરો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે
જિલ્લામાં પ્રોહિબિશનના સતત કેસ કરવામાં આવી રહ્યાં છે. બોટાદની ઘટનાને લઇને જિલ્લાની પોલીસને વધુ સક્રિય કરી છે. સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. જિલ્લામાં દેશીદારૂ-તાડી બનાવતાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સાથે કોઇ કેમિકલનો ઉપયોગ થયો છે કે કેમ તેની પણ તપાસ કરાશે. > ડો. લીના પાટીલ, એસપી

અન્ય સમાચારો પણ છે...