ભરૂચ નગરપાલિકાએ માર્ચ મહિનાના અંત સુધીમાં વેરા વસુલાતનો 21 કરોડનો લક્ષ્યાંક પાર પાડવા વસુલાતની કામગીરી વેગવંતી બનાવી દીધી છે. માર્ચ મહિનાની પહેલીથી 6 તારીખ સુધીમાં 38 લાખ રૂપિયાની માતબર રકમની વસુલાત કરવામાં આવી છે. બીજી તરફ બાકીદારોના નળ જોડાણો કાપવાના તથા મિલકતો સીલ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.ભરૂચ નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 21 કરોડ રૂપિયાના વેરા વસુલાતનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધીમાં 14 કરોડની વસુલાત થઇ હોવાથી 8 કરોડ રૂપિયા જેટલી વસુલાત બાકી છે.
માર્ચ મહિનાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે પાલિકાએ બાકીદારો સામે તવાઇ બોલાવી છે. નળ જોડાણો કાપતા પહેલાં અને મિલકતો સીલ કરતાં પહેલાં 4,000 મિલકતધારકોને આખરી નોટિસ આપવામાં આવી હતી. વેરા વસુલાત માટે શહેર વિસ્તાર માટે દરેક વોર્ડમાં ટીમોની રચના કરી દેવામાં આવેલી છે.
રહેણાંક મિલ્કતોના બાકી વેરા વસુલાત માટે નળ કનેક્શન તેમજ કોમર્સીયલ મિલ્કતો સીલ કરવાની કામગીરી ચાલુ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ભરૂચ નગરપાલિકાએ બાકી વેરા પેટે 38 લાખ રૂપિયાની માતબર રકમની વસુલાત કરી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં નગર પાલિકાનો બાકી પડતો વેરો વધુમાં વધુ એકત્ર થાય તે માટેના પ્રયાસ ચાલી રહ્યાં છે. તે માટે નોટીસો આપવા છતાં પણ વેરો નહિ ભરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.