ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ગુરુવારે મળેલી ખાસ બજેટ સભામાં વર્ષ 2023-24 માટે રૂપિયા એક કરોડથી વધુની પૂરાંતવાળું ₹18.56 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બજેટ અંગે સામાન્ય સભા મળી હતી. સભામાં ડીડીઓ પંકજકુમાર જોષી, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય સભ્યોની હાજરીમાં બેઠક યોજાઇ હતી.
જિલ્લા પંચાયતને છેલ્લા વર્ષોમાં કોવિડ -19 , તાઉતે વાવાઝોડાનાં કારણે સરકાર તરફથી સ્વભંડોળમાં સમાવી શકાય તેવી ગ્રાન્ટ મર્યાદિત મળી હતી. જેની અસર બજેટ ઉપર જોવા મળી હતી. તેમ છતાં તમામ ક્ષેત્રોમાં ગત વર્ષની સરખામણીમાં વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે .
વર્ષ 2023-24 નું કુલ બજેટ ₹18.56 કરોડ જાહેર કરાયું હતું. જે ગત વર્ષે ₹18.22 કરોડ સામે 34 લાખ વધુ છે. બજેટમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડ્યુટીની ગાઇડલાઇન મુજબનાં વિકાસનાં કામોમાં ₹6.25 કરોડની જોગવાઇ કરાઈ છે. જે ગત વર્ષે 4.08 કરોડ હતી.આરોગ્ય ક્ષેત્રે ગત વર્ષે 33.23 લાખની જોગવાઈ સામે આ વર્ષે 2.31 કરોડ ફાળવાયા છે. પશુપાલન ક્ષેત્રમાં 3.02 લાખ, જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે 3.46 કરોડ સામે આ વર્ષે 7.53 કરોડ મંજુર કરાયા છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની સામાજિક ન્યાય નીધિ ખાતે જોગવાઇ કરાઈ છે. નાની સિંચાઇ ક્ષેત્રમાં 28 લાખ, શિક્ષણ , ખેતીવાડી ક્ષેત્ર , આંકડા ક્ષેત્ર , સહકાર ક્ષેત્ર તથા કુદરતી આફતો સામે પણ કુલ જોગવાઇ 20.35 લાખની જોગવાઇ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.