હાશકારો:ભરૂચ જિલ્લો હાલ લમ્પી મુક્ત,સરકારે હજી રસી પૂરી પાડી નથી

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના પાણેથામાં 3 પશુ સેમ્પલ લેવાયાં, હજી રિપોર્ટ નહીં
  • રાજ્યના 20 જિલ્લાઓમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે

રાજ્યભરમાં હાલમાં લમ્પી વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ઉત્તર-સૌરાષ્ટ્ર ગુજરાતમાં લમ્પીના કેસ સામે આવ્યાં છે. જોકે, હજી ભરૂચ જિલ્લો તેમાંથી બાકાત છે. જિલ્લામાં માત્ર પાણેથા ગામે ત્રણ પશુઓ શંકાસ્પદ જણાતાં તેમના સેમ્પલ લેવાયાં છે. પરંતુ, ત્રણેય પશુઓ પ્રાથમિક ઉપચારથી જ સાજા થઇ ગયાં છે. જોકે, સેમ્પલનો રિપોર્ટ હજી સુધી આવ્યો નથો. બીજી તરફ પશુધન માટે વેક્સિનેશનની પશુપાલકોમાં માંગ ઉઠી છે. પરંતુ સરકાર દ્વારા હજી ભરૂચ જિલ્લાને રસી ફળવાઇ નથી.

પશુધન જેમાં ભેંસ સહિતના ગૌવંશના પશુઓમાં છેલ્લાં કેટલાંક સમયથી લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. લમ્પી વાયરસથી સંક્રમિત થઇ સેંકડો ગૌવંશોના મોત થયાં હોવાના અહેવાલ છે. ત્યારે હજી સુધી ભરૂચ જિલ્લામાં લમ્પી વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. ભરૂચ જિલ્લામાં 2.84 લાખ પશુઓ છે. જે પૈકીના 1.26 લાખ ગૌવંશના છે. જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર પાણેથા ખાતે ત્રણ પશુઓમાં શંકાસ્પદ લક્ષણ હોવાનું પશુપાલકે જણાવતાં જિલ્લાની ટીમે તુરંત તેમના સેમ્પલ લઇ ભોપાલ ખાતે પરિક્ષણ માટે મોકલી આપ્યાં છે.

બીજી તરફ પશુઓને પ્રાથમિક ઉપચાર આપતાં તેઓ સાજા થઇ જતાં તેમને લમ્પીની અસર ન હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે. જોકે, રિપોર્ટ હજી આવ્યો નથી. રાજ્યમાં ધીમેધીમે લમ્પીનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પશુઓનું વહેલીતકે વેક્સિનેશન કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે. પરંતુ સરકાર દ્વારા ભરૂચ જિલ્લાને હજી સુધી વેક્સિનનો જથ્થો પુરો પડાયો નથી. જોકે, દુધધારા ડેરી દ્વારા વેક્સિનનો જથ્થો મેળવી સામાજિક દાયિત્વના ભાગરૂપે કવિઠા ગામેથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...