ભરૂચ ન્યાયાલય ખાતે ચેક રિટર્નના કેસમાં ફરિયાદી બનેલાં એક શખ્સની આજે જુબાની હોઇ તે કોર્ટમાં આવ્યો હતો. દરમિયાનમાં તેણે કોર્ટરૂમની બહાર બેઠાં બેઠાં તેના મોબાઇલમાં ત્યા ફરજ પર હાજર 10થી12 મહિલા વકીલ તેમજ મહિલા કોન્સ્ટેબલના ફોટા પાડ્યાં હતાં. દરમિયાનમાં તેની કરતુતની જાણ થતાં વકીલોએ તેને દબોચી લીધો હતો. અને વકીલ મંડળના પ્રમુખે તેની સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ તાલુકાના દેરોલ ગામના સાહિદ સલીમ પટેલ નામના એક શખ્સનો ભરૂચ ન્યાયાલયમાં ચેક રિટર્નનો કેસ ચાલ્યો હતો. જેમાં રૂમ નંબર 35માં તેની જુબાની લેવાની હોઇ તે રૂમની બહાર ઉભો રહ્યો હતો. આ અરસામાં તેણે ત્યાં આંટાફેરા મારતાં મારતાં ત્યાંથી આવ-જા કરતી 10થી 12 જેટલી મહિલા વકીલો તેમજ મહિલા કોન્સ્ટેબલોના ફોટા પાડી રહ્યો હતો. દરમિયાનમાં કોઇએ તેને જોઇ લેતાં લોકો-વકીલોએ એકત્ર થઇ તેને ઝડપી પાડ્યો હતો.
તેના મોબાઇલમાં ચેક કરતાં તેણે અલગ અલગ મહિલા વકીલ તથા મહિલા પોલીસ કર્મીના 246 ફોટા પાડ્યાં હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં પણ એક વકીલના તેણે 85 ફોટા પાડ્યાં હોવાનું જણાયું હતું. ઘટનાની ગંભીરતાને લઇને વકીલ મંડળના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જાતે જ ફરિયાદી બની સાહિદ સલીમ પટેલ વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ બી. જી. યાદવે હાથ ધરી છે.
મેં જાતે જ મામલામાં ફરિયાદ નોંધાવી
કોર્ટમાં કોઇ મગજ મારી થઇ હોવાની વાત મારા ધ્યાનમાં આવતાં હું ત્યાં પહોંચ્યો હતો. લોકોએ આરોપીને પકડી લીધો હતો. લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તે મહિલાઓના ફોટા પાડી રહ્યો છે. જેના પગલે અમે તેની પાસેથી મોબાઇલ લઇ તેમાં તપાસ કરતાં તેણે મહિલા વકીલ તથા મહિલા પોલીસકર્મીઓના કુલ 246 ફોટા પાડ્યા હોવાનું જણાયું હતું.
જેમાં એક મહિલા વકીલના તેણે 85 ફોટા પાડ્યાં હતાં. મહિલાઓ સાથે થયેલાં કૃત્યને લઇને મે જાતે જ મામલામાં ફરિયાદી બની પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. > પ્રદ્યુમનસિંહ સિંધા, પ્રમુખ, બાર એસોસિએશન, ભરૂચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.