માનવતા મરી પરવારી!:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોતનો મલાજો ન જળવાયો, આકરી ગરમી વચ્ચે કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા 5 મૃતદેહો કોહવાયા

ભરૂચ23 દિવસ પહેલા
  • હોસ્પિટલ મેનેજમેન્ટ ઉપર બેદરકારીના આક્ષેપ કરાયા
  • મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેટર વગર પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગયા

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે. જેના કારણે 5 મૃતદેહો ડીકમ્પોઝ થઈ ગયા છે. જને લઈ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બિનવારસી મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે. જેના કારણે 5 મૃતદેહો કોહવાઈ ગયા હતા. ઉંદરે વાયર કાપી નાખતા કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હોવાનું જણાવી હોસ્પિટલ તંત્રએ લુલો બચાવ કર્યો હતો.

મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હદે ડીકમ્પોઝ થયા
વડોદરાની સંસ્થાને ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુશાસન અને વિકાસની કમાન સોપાઈ હતી. ખાનગી સંસ્થાને જિલ્લાના ગરીબો અને મધ્યમ વર્ગ માટે સંજીવની એવી સિવિલ હોસ્પિટલનું સુકાન આપી વધુ અદ્યતન તબીબી સેવાઓ અને સુવિધાઓ મળી રહેવાની સરકારે વાત કરી હતી. જોકે, આ વાત પોકળ સાબિત થઈ રહી છે. 44 ડીગ્રી ગરમીમાં કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું કોલ્ડ સ્ટોરેજ ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે ખોટકાયું છે. પરંતુ બંધ કોલ્ડ સ્ટોરેજ સામે સિવિલ સત્તાધીશો કે સ્ટાફનું ધ્યાન જ ગયું ન હતું. જેને લઈ 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હોવાનો એક એનજીઓએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ આ મામલે વિવાદ સર્જાતા સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં દોડધામ થઈ ગઈ છે. મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હદે ડીકમ્પોઝ થયા છે.

વહેલી તકે સમસ્યા હલ કરવા આદેશ કરાયા
ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની કામગીરી સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ હોસ્પિટલ મેનેજમેન્ટ ઉપર લાપરવાહીના આક્ષેપ કર્યા છે. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાએ વહેલી તકે સમસ્યા હલ કરવા આદેશ કરાયા હોવાનું જણાવ્યું હતું.

મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાનની જરૂર હોય છે
ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરના સુમારે તેઓ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઈ જવા કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા હતા. ત્યારે રેફ્રિજરેટર બંધ હતું. હાલની કાળઝાળ ગરમીમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે. 5 મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેટર વગર પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગયા છે. આ અંગે જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે વાકેફ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

મૃતદેહનો મલાજો જળવાઈ તે માટે લાપરવાહી અટકાવવી જોઈએ
ધર્મેશ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ દ્વારા બે દિવસ પેહલા એક બિનવારસી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. જેને જોતા કોલ્ડ સ્ટોરેજ બે થી ત્રણ દિવસથી બંધ હોવાનું લાગી રહ્યું છે. કોઈના મૃતદેહનો મલાજો અને સન્માન જળવાઈ તે માટે આવી લાપરવાહીઓ અટકાવવી જોઈએ.

કોલ્ડ સ્ટોરેજના સમારકામ માટે કામગીરી શરૂ
ઉચ્ચકક્ષા સુધી મામલો પહોંચતા હોસ્પિટલ સૂત્રો પાસે જવાબ મંગાવાની શરૂઆત થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલે પોતાના ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ રવાના કર્યા હતા. બે ટુકડીઓએ ભેગા મળી કોલ્ડ સ્ટોરેજના સમારકામ માટે કામગીરી શરૂ કરી હતી. જોકે, કોલ્ડ સ્ટોરેજ ક્યારે કાર્યરત થશે તેનો ચોક્કસ સમય અપાયો નથી.

ઉંદરના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હોવાનું સિવિલના સત્તાધીશો જણાવી રહ્યાં છે. ઉંદરે કોલ્ડ સ્ટોરેજના વાયર કાપી નાખતા સમસ્યા સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે બાબત હાલ તો સામાજિક આગેવાનને ગળે ઉતરી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...