તંત્ર મુંઝવણ:આસ્થા અને આદેશ વચ્ચે ભરૂચમાં ગણેશ વિસર્જનનું કોકડું ગુંચવાયું

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નગર પાલિકામાં મળેલી બેઠકમાં ઉગ્ર રજૂઆતો થઇ હતી. - Divya Bhaskar
ભરૂચ નગર પાલિકામાં મળેલી બેઠકમાં ઉગ્ર રજૂઆતો થઇ હતી.
  • ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવા મંડળોની માગ
  • પાંચ વર્ષ ઉપરાંતથી નદીના બદલે કૃત્રિમ કુંડમાં કરાતું શ્રીજી વિસર્જન

ભરૂચમાં માટીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જીત કરવાની ગણેશ મંડળોની માગના પગલે વિસર્જનનું કોકડું ગુંચવાયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ ઘાટ ખાતે કરાતું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગણેશ આયોજકોએ માટીમાંથી બનેલી પ્રતિમાઓનું નીલકંઠેશ્વર ઘાટ ખાતેથી વિસર્જન કરવા દેવામાં આવે તેવી માગ કરતાં તંત્ર પણ મુંઝવણમાં મુકાય ગયું છે.

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન ભાડભુત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ નીલકંઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ગણેશ વિસર્જન બંધ કરાવી કૃત્રિમ કુંડની પરંપરા ચાલુ થઇ છે. કોરોનાની મહામારી બાદ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની રંગત પુરબહારમાં ખીલી છે. શુક્રવારે થનારા ગણેશ વિસર્જન પહેલાં ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ગણેશ આયોજકો અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી.

બેઠકમાં ગણેશ વિસર્જન અંગે કૃત્રિમ તળાવો અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ યુવક મંડળોએ રજુઆત કરી હતી કે, ચાલુ વર્ષે 70 ટકાથી વધારે શ્રીજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી છે જેથી માટીની બનેલી પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ હોવાથી તંત્ર નર્મદા નદીમાં વિસર્જનની પરવાનગી આપી શકે તેમ નથી. હાલ તો આદેશ અને આસ્થા વચ્ચે વિસર્જનનું કોકડું ગુંચવાયેલું છે.

સત્તાવાર રીતે કોઇ આદેશ ન થઇ શકે
ભરૂચમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહોલમાં થાય તે માટે તંત્ર શકય તમામ પ્રયાસ કરી રહયું છે. શ્રીજી વિસર્જન માટે ચાર કુંડ બનાવ્યાં છે અને પાંચમા માટે વિચારણા ચાલુ છે. ભકતોની આસ્થાને ઠેસ ન પહોંચે તે રીતે કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાશે. નદીમાં વિસર્જન અંગે એનજીટીની ગાઇડલાઇન હોવાથી અમે સત્તાવાર કોઇ આદેશ કરી શકીએ નહી. - અમિત ચાવડા, પ્રમુખ, ભરૂચ નગરપાલિકા

શું માત્ર મૂર્તિઓથી નર્મદા નદી પ્રદૂષિત થાય છે ?
કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કર્યા બાદ પ્રતિમાઓની શું હાલત થાય છે તે સૌ કોઇ જાણે છે. અમે માત્ર અને માત્ર માટીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવા માગીએ છીએ. નીલકંઠેશ્વર ઘાટ ખાતે વિસર્જન માટે તંત્રની મંજુરી માગી છે. શું માત્ર મુર્તિઓથી જ નર્મદા નદી પ્રદુષિત થાય છે તેવું મારે તંત્રને પુછવું છે. - અલ્પેશભાઇ, આયોજક

એનજીટી અને સુપ્રીમ કોર્ટનો આદેશ શું છે ?
નદીઓ તથા જળાશયોને પ્રદુષિત થતાં રોકવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તથા સુપ્રીમ કોર્ટ તરફથી વિવિધ આદેશ બહાર પાડવામાં આવ્યાં છે. જે અનુસાર વહેતા પાણીમાં પીઓપી કે અન્ય કેમિકલનો નિકાલ કરી શકાશે નહિ. માટીની પ્રતિમાઓ ઉપર પ્રતિબંધ નથી પણ માટીની પ્રતિમાઓ પર લગાડવામાં આવતાં રંગમાં કેમિકલ હોવાથી માટીની પ્રતિમાઓનું વિસર્જન નદીમાં કરવા દેવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...