ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં બેંક લીંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 343 સખીમંડળોને રૂ.372.10 લાખની લોનનું ધિરાણ આપવામાં આવ્યું હતું. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેંક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 343 સખીમંડળોને રૂ.372.10 લાખની રકમની લોનનું ધિરાણના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટેજ પરથી 16 જેટલાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીના ચેક એનાયત કરાયા હતા. ઉપરાંત બેંક સખી, NRLM યોજનાના શ્રેષ્ઠ કર્મચારી અને બેંક ઓફ બરોડા હાંસોટ, નેત્રંગ, અંકલેશ્વર તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક નેત્રંગના બ્રાન્ચ મેનેજરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સરકાર અને ભરૂચ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહ્યો છે. સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી.
નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, બહેનો કેવી રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. હજારો બહેનો સખીમંડળ થકી પગભર થઈ રહી છે. તેમ જણાવી મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની રાજ્ય સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા લાઈવલીહૂડ મિશનના ડીએલએમ પ્રવિણ વસાવા, અંકિતા દવે, આગેવાન પદાધિકારીઓ, વિવિધ બેંકોના અધિકારીઓ અને સખીમંડળ તથા સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.