ભરૂચના બરકતવાડમાં રહેતાં યુવાનને તેની બહેને ફોન કરી જાણ કરી હતી કે, તેના પતિ તેની સાથે ઝઘડો કરે છે. જેના પગલે યુવાન તેના માતાપિતા સાથે તેમને સમજાવવા માટે ગયો હતો. દરમિયાનમાં ત્યાં તેના બનેવીએ તેમની સાથે ઝઘડો કરી બનેવી તેમજ પિતા અને મામાએ યુવાનને માર મારી ઇજા પહોંચાડી હતી. ભરૂચ શહેરના બરકતવાડ વિસ્તારમાં આવેલી એકનુકલ મસ્જીદ પાસે રહેતો બિલાલ જમીર મહેરાજ મલેક ભરતકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
તેની બહેન રુકસારના લગ્ન ત્રણકુવા નવી નગરી વિસ્તારમાં રહેતાં નઇમ ઇલ્યાસ પટેલ સાથે થયાં હતાં. ગઇકાલે રાત્રીના સમયે તેની બહેનનો ફોન તેને આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેના પતિ નઇમ તેની સાથે ઝઘડો કરે છે. જેથી તું મમ્મીને લઇને આવ. જેથી તે તેના માતા-પિતા સાથે બહેનની સાસરીમાં ગયાં હતાં. તેઓ તેના બનેવીને સમજાવી રહ્યાં હતાં. તે વેળાં બનેવી નઇમે ઉશ્કેરાઇ જઇ તેની સાથે ઝડઘો કરતાં નઇમના પિતા ઇલ્યાસ પટેલ તેમજ મામા હનિફ પટેલે એક સંપ થઇ તેના પર હૂમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.