ઉમેદવારોનાં ભાવિ સ્ટ્રોંગરૂમમાં સીલ:ભરૂચ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી બાદ મતદાન પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાઈ, આવતીકાલે યોજાશે મત ગણતરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો, સીસીટીવીથી પણ કરવામાં આવ્યું મોનીટરીંગ
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મત ગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો

ભરૂચ જીલ્લામાં 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત પેટીઓને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવી હતી. તેમજ આવતીકાલે મંગળવારના રોજ ગામનો રાજા કોણ બનશે તેનો ફેંસલો થઇ જશે. નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં ગઈકાલે રવિવારના રોજ એકાદ બે છમકલાને બાદ કરતા શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે-તે તાલુકાની ગ્રામ પંચાયતની મતદાન પેટી તાલુકા મથકોએ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકાના ગામો માટે કે.જે.પોલીટેકનીક ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં મત પેટીઓ સીલ કરવામાં આવી છે, જેની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત સીસીટીવીથી પણ સ્ટ્રોંગ રૂમનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે મંગળવારના રોજ યોજાનારી મત ગણતરી માટેની પણ હાલ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અંકલેશ્વર ખાતે જીનવાલા સ્કુલમાં સ્ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં આવતીકાલે મત ગણતરી યોજવામાં આવશે. વાલિયા ખાતે શ્રી રંગ નવ ચેતન મહિલા કોલેજ ખાતે મતદાન પેટીઓ રાખવામાં આવી છે. આવતીકાલે વિવિધ તાલુકા મથકોએ સવારથી મત ગણતરી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેલેટ પેપરથી મતદાન થયું છે, જેથી પરિણામો આવતા થોડો સમય લાગશે. આવતીકાલે મંગળવારે મોડી રાત સુધી મત ગણતરી ચાલે તેવી સંભાવનાઓ છે. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...