ચોરીનો નિષ્ફળ પ્રયાસ:અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલી મુથુટ ફાયનાન્સની ઓફિસમાં ચોરીનો પ્રયાસ, તસ્કરોના હાથે કઇ ન લાગ્યું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો દીવાલ તોડ્યા બાદ પોતાના સાધનો પણ લેવા ન રહ્યા
  • બાજુની દુકાનમાં ઘુસી બાકોરૂ પાડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો
  • તસ્કરોએ સાઈરનના વાયરો પણ કાપી નાખ્યા પણ આખરે ભાગવાની ફરજ પડી : તપાસનો ધમધમાટ શરૂ
  • સિક્યુરિટી સિસ્ટમે બગાડ્યો તસ્કરોનો ખેલ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી મુથુટ ફાયનાન્સની ઓફિસમાં રાખવામાં આવેલાં અંદાજીત 9 કરોડ રૂપિયાની કિમંતના સોનાની ચોરી કરવાનો તસ્કરોનો ફુલપ્રુફ પ્લાન સિકયુરીટી સીસ્ટમના કારણે નાકામ નીવડયો હતો. ભેજાબાજ તસ્કરોએ મુથુટ ફાયનાન્સની બાજુમાં આવેલી દુકાન ભાડે રાખી હતી અને બંને દુકાનો વચ્ચેની કોમન દીવાલમાં બકોરૂ પાડી ફાયનાન્સની ઓફીસમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો પ્રવેશતાની સાથે ઓફિસમાં લાગેલું સાયરન વાગવા લાગતાં તસ્કરોને ભાગી જવાની ફરજ પડી હતી.

અંકલેશ્વરમાં કરોડો રૂપિયાની કિમંતના સોનાની ચોરીનું કાવતરૂ નિષ્ફળ રહયું છે. તસ્કરોએ મુથુટ ફાયનાન્સની ઓફીસમાં રહેલાં કરોડો રૂપિયાની કિમંતના સોનાની ખરીદી માટે કાવતરૂ ઘડી કાઢયું હતું. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક રાજકમલ આર્કેડના પેહલા માળે મુથુટ ફાઇનાન્સની ઓફીસ આવેલી છે. આ ઓફીસ તસ્કરોના નિશાના પર હતી કારણ કે તેમાં કરોડો રૂપિયાની કિમંતનું સોનુ મળવાની તસ્કરોને આશા હતી. ચોરીની ઘટનાને પાર પાડવા માટે તસ્કરોએ ઓફીસની બાજુમાં આવેલી દુકાનને 10 થી 12 દિવસ પહેલાં ભાડે રાખી હતી.

તસ્કરો બંને દુકાનો વચ્ચેની કોમન દીવાલમાં બકોરૂ પાડી ફાયનાન્સની દુકાનમાં પ્રવેશ કરવાના આયોજન સાથે આવ્યાં હતાં. આ માટે તેમણે ગેસ કટર, છીણી, હથોડી, પાના અને પેચિયા સહિતનો સામાન પણ ખરીદી લીધો હતો. રવિવારે ઓફીસ બંધ હોવાથી તસ્કરોએ લાગ જોઇ કોમન દિવાલમાં બકોરૂ પાડયું હતું. આ બકોરા મારફતે તસ્કરો મુથુટ ફાયનાન્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો.

કરોડો રૂપિયાના સોના સુધી તસ્કરો પહોંચે તે પહેલાં જ ઓફીસમાં રાખવામાં આવેલું સાયરન વાગવા લાગ્યું હતું. સાયરન વાગતાની સાથે તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. તસ્કરોએ વાયરો કાપી સાયરનને નિષ્ફળ બનાવવાની પણ કોશિશ કરી હતી.બનાવની જાણ થતાં ઓફીસનો સ્ટાફ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. શહેર પોલીસે ડોગ સ્કવોર્ડ, એફએસેલની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન CCTV ફૂટેજ પણ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી.

જોકે, તસ્કરોના હાથે કઈ પણ નહી લાગતા તેઓ વિલા મોથે પરત ફર્યા હતા. તસ્કરો દીવાલ તોડ્યા બાદ પોતાના સાધનો પણ લેવા રહ્યા નથી. ચોરી અંગે મુથુટ ફાયનાન્સ કંપનીના અધિકારી ઉત્પલ પ્રભુનાથ પાંડેએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી
થોડા વર્ષો પહેલાં વડોદરામાં એક જવેલર્સની દુકાનમાં આ જ પ્રકારે ચોરી કરવામાં આવી હતી. તસ્કરોએ જવેલર્સની દુકાનની બાજુમાં આવેલી દુકાન ભાડે રાખી હતી અને એક દિવસ બપોરે જયારે જવેલર્સની દુકાન બંધ હતી ત્યારે બકોરૂ પાડી અંદર પ્રવેશી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. ચોરીના આ ચકચારી કિસ્સામાં પોલીસે રાજસ્થાનની ગેંગના સાગરિતોની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફની ગેંગ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય છે.

સેફ લોકરમાં 8થી 9 કરોડ રૂપિયાનું સોનું રાખવામાં આવ્યું હતું
મુથુટ ફાયનાન્સ કંપની સોનાના બદલામાં લોન આપે છે. અંકલેશ્વર ખાતે આવેલી મુથુટ ફાયનાન્સ કંપનીમાં અંદાજે 8 થી 9 કરોડ રૂપિયાની કિમંતના સોનાના દાગીના હોવાની વિગતો સપાટી પર આવી છે. આ તમામ સોનું ઓફિસમાં બનાવવામાં આવેલાં સેફ લોકરમાં રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરક્ષા માટે ઓફીસમાં સાયરન સીસ્ટમ પણ લગાડવામાં આવી છે.

શંકાસ્પદોની હિલચાલ પર પોલીસની નજર છે
મુથુટ ફાયનાન્સમાં ચોરીનો પ્રયાસ કરતાં પહેલાં તસ્કરોએ બાજુની દુકાન ભાડે લીધી હતી અને તેનો ભાડા કરાર પોલીસને મળ્યો છે. ફરાર થઇ ગયેલાં તસ્કરોને ઝડપી પાડવા માટે ટીમો બનાવી તપાસ કરવામાં આવી છે. જિલ્લાના તથા જિલ્લા બહારના શંકાસ્પદોની હિલચાલ તપાસવામાં આવી રહી છે. > ચિરાગ દેસાઇ, ડીવાયએસપી

5 જેટલા તસ્કરો સીસીટીવીમાં દેખાઇ રહ્યા છે
રાજકમલ આર્કેટ ખાતે આવેલ મુથુટ ફાઇનાન્સમાં ચોરી કરવા આવેલાં તસ્કરોની સંખ્યા 5 હોવાનું જણાય રહયું છે. પોલીસને મળેલા સીસીટીવી ફુટેજમાં 5 જેટલા તસ્કરો દેખાય રહયાં છે.

ધ બેન્ક જોબ ફિલ્મની જેમ ચોરી કરવાનો પ્રયાસ
અંગ્રેજી ફીલ્મ ધ બેન્ક જોબ મુવી ની જેમ તસ્કરો ચોરી કરવા નો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ ફીલ્મમાં બતાવવામાં આવે છે તે પ્રમાણે દુકાન ભાડે રાખી બાકોરું પાડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફીલ્મ માં ચોરી કરવામાં સફળતા મળે છે પણ અંકલેશ્વરની વાસ્તવિક ઘટનામાં તસ્કરો નિષ્ફળ રહે છે.

અન્ય સમાચારો પણ છે...